Thursday, December 26, 2024
Homeરાજ્યહાલારદ્વારકાની આરએસપીએલ કંપનીમાં હલકી ગુણવત્તાવાળો કોલસો ધાબડી છેતરપિંડી

દ્વારકાની આરએસપીએલ કંપનીમાં હલકી ગુણવત્તાવાળો કોલસો ધાબડી છેતરપિંડી

કંપની કર્મચારી તથા ટ્રક ચાલકો સામે વિશ્વાસઘાતની ફરિયાદ

- Advertisement -

દેવભૂમિ દ્વારકામાં આવેલી વિશાળકાય આરએસપીએલ (ઘડી) કંપનીમાં રશિયન કોલસાના બદલે હલકી ગુણવત્તાવાળો કોલસો ઉતારીને કંપની સાથે વિશ્વાસઘાત કરવા સબબ કંપનીના એક કર્મચારી તથા જુદા જુદા બે ટ્રકના ચાલકો સામે ગુનો નોંધવામાં આવ્યો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણ અંગે દ્વારકા નજીક આવેલી આર.એસ.પી.એલ. કંપનીમાં ફરજ બજાવતા અને મૂળ ઉત્તર પ્રદેશના વતની એવા પ્રશાંતકુમાર નર્વદાપ્રસાદ શુક્લા (ઉ.વ. 39)એ કંપનીમાં ટ્રીપ્લર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ તેમજ જી.જે. 03 એ.ટી. 0713 નંબરના ટ્રક ચાલક કમલેશ ચૌહાણ અને જી.જે. 11 વાય. 6660 નંબરના ટ્રક ચાલક રાણા કે. કટારા તેમજ સંભવિત રીતે સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે દ્વારકા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

કુરંગા સ્થિત આરએસપીએલ કંપનીના લોજિસ્ટિક મેનેજર પ્રશાંતકુમાર શુક્લા દ્વારા પોલીસમાં જાહેર કરવામાં આવેલી વિગત મુજબ આર.એસ.પી.એલ. કંપની દ્વારા 10,000 મેટ્રિક ટન કોલસો સપ્લાય કરવા માટે આપવામાં આવેલા કોન્ટ્રાક્ટમાં જુદા-જુદા ત્રણ કોન્ટ્રાક્ટરોને કંપનીમાં કંડલા પોર્ટથી આર.એસ.પી.એલ. કંપનીમાં રશિયન કોલસાના ફેરા કરવાની કામગીરી સોંપવામાં આવી હતી. જે પૈકી જુદા જુદા સમયગાળામાં કંપનીમાં કુલ 27 ટ્રક ગાંધીધામથી રશિયન કોલસો મોકલવામાં આવ્યો હતો. સીલબંધ રીતે મોકલવામાં આવેલા સીલ તુટેલા હોવાનું કંપનીઓના ધ્યાન આવ્યું હતું. 27 પૈકી 25 ટ્રકો કંપનીના યાર્ડમાં કોલસો ખાલી કરીને જતા રહ્યા હતા. ત્યારબાદ કંપની દ્વારા શંકા જતા કરવામાં આવેલા લેબ ટેસ્ટમાં આ કોલસો નબળી ગુણવત્તાવાળો અને ભેળસેળવાળો હોવાનું ખુલવા પામ્યું હતું.

- Advertisement -

આ ભેળસેળથી કંપનીને આશરે રૂપિયા દોઢ કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાનો રિપોર્ટ કંપનીમાં કરાયો હતો. આ પ્રકરણમાં કંપનીના ટ્રીપલર સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા વાછીયા ઉર્ફે વિજય મંગાભાઈ જીવાભાઈ રૂડાચ દ્વારા ટ્રક ડ્રાઇવર અથવા તો ટ્રકના માલિકો સાથે સંકળાયેલા ઈસમો સાથે મિલાપીપણું કરી, કોલસામાં અગાઉથી આયોજનપૂર્વક મિક્સિંગ કરી, અંદાજિત 10 થી 12 ટ્રકોમાંથી સારી ક્વોલિટીના કોલસાના જથ્થામાં ભેળસેળ કરી, વિશ્વાસઘાત કરવામાં આવ્યો હોવાનું ખુલવા પામ્યું હતું.

આ કંપનીના સોફ્ટવેરમાં જોતા જી.જે. 03 એ.ટી. 0713 ના ચાલક કમલેશ ચૌહાણ અને જી.જે. 11 વાય 6660 ના ચાલક રાણા કે. કટારા દ્વારા ટ્રાન્સપોર્ટરના ટ્રકોના કોલસામાં મિક્સિંગ થયું હોવાનું પણ ખુલવા પામ્યું હતું. આના અનુસંધાને કંપની સત્તાવાળાઓ દ્વારા ટ્રાન્સપોર્ટરનું પેમેન્ટ હોલ્ડમાં મૂકી દેવામાં આવ્યું હતું. આમ, કંપની કર્મચારી તથા બે ટ્રકના ચાલકો દ્વારા મીલાપીપણું રચી અને ગુનાહિત કાવતરું રચવા સબબ દ્વારકા પોલીસે ઉપરોક્ત ત્રણેય શખ્સો તેમજ આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે પણ આઈ.પી.સી. કલમ 406, 407, 409, 420 તથા 120 (બી) મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એલ.સી.બી. વિભાગના પી.એસ.આઈ. એસ.વી. ગળચર દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular