દ્વારકા જિલ્લાના મીઠાપુર નજીક આવેલા રાજપરા ગામે યુવાન પાસે ક્રાઇમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપી પૈસાની માગણી કરી રૂા. 55000 ટ્રાન્સફર કરાવી લીધા અંગે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધાતાં પોલીસ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
દેવભૂમિ દ્વારકાના મીઠાપુર નજીક આવેલા રાજપરા ગામે રહેતા હનીફભાઈ હાજીભાઈ કાટીયા નામના 32 વર્ષના યુવાનને ******6692 નંબર ધરાવતા શખ્સે કોઈ બાબતે ફોન ઉપર વિશ્વાસમાં લઈ અને અન્ય એક મોબાઈલ નંબર ******5858 ઉપર રૂ. 55,000 ટ્રાન્સફર કરાવી લીધા હતા.
આ પછી આ શખ્સ દ્વારા ફરિયાદી હનીફભાઈના ખાતામાં પૈસા જમા નહીં કરી, વિશ્વાસઘાત આચારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, આ પ્રકરણમાં ત્રીજા એક મોબાઈલ નંબર ******7496 ધરાવતા શખ્સે ફરિયાદી હનીફભાઈ પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવવા માટે ક્રાઈમ બ્રાન્ચના અધિકારી તરીકેની ઓળખ આપી અને તેમની પાસેથી વધુ પૈસાની માંગણી કરવામાં આવી હતી. આમ, કથિત ક્રાઈમ બ્રાન્ચના અધિકારીની ઓળખ આપનાર ******7496 નંબર ધરાવતા શખ્સે હનીફભાઈને જેલ ભેગા કરી દેવાની ધમકી પણ ઉચ્ચારી હોવા અંગેની ધોરણસર ફરિયાદ મીઠાપુર પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે જુદા-જુદા ત્રણ મોબાઈલ નંબરધારક સામે આઈ.પી.સી. કલમ 406, 420, 384, 507, 114 તથા આઈ.ટી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે. આ પ્રકરણની આગળની તપાસ સાયબર સેલના પી.આઈ. એ.એમ. પટેલ ચલાવી રહ્યા છે.