જામનગર-રાજકોટ હાઈ-વે ઉપર પીકઅપ ગાડીએ બાઈકને હડફેટે લેતા બાઈકસવારને ગંભીર ઈજા પહોંચતા સારવાર દરમિયાન મૃત્યુ નિપજતાં પોલીસ દ્વારા પીકઅપ ગાડી ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં.
આ અંગેની વિગત મુજબ, ગત તા.13 મે ના રોજ જામનગર-રાજકોટ હાઈવે ઉપર ધ્રોલ નજીકથી જીજે-10-સીસી-9288 નંબરનું મોટરસાઈકલ લઇ પ્રવિણ તથા રાજુભાઈ રવજીભાઈ વાઘેલા નામના વ્યક્તિઓ પેટ્રોલ પુરાવા જઈ રહ્યા હતાં ત્યારે જીજે-10-ટીએકસ-6038 નંબરના ટાટા કંપનીના છોટા હાથીના ચાલકે રોંગસાઈડમાં આવી પૂરઝડપે ગફલતભરી રીતે પીકઅપ વાહન ચલાવી મોટરસાઈકલને હડફેટે લેતા રાજુભાઈ રવજીભાઈ વાઘેલાને માથાના ભાગે તથા પગમાં ઈજાઓ પહોંચી હતી તેમજ બાઈકમાં સવાર પ્રવિણને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન ગઈકાલે તેનું મૃત્યુ નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
આ અંગે બાલાભાઈ અમરશીભાઈ વાઘેલા દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ દ્વારા છોટાહાથી પીકઅપ વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી તેની શોધખોળ હાથ ધરી હતી.