ધ્રોલ ગામમાં જૂની જેલ રોડ પર રહેતાં અને છૂટક મજૂરી કામ કરતા આધેડ રેંકડીમાં શાકભાજી ભરીને માર્કેટીંગ યાર્ડ સામેના રોડ પરથી જતાં હતાં તે દરમિયાન પુરઝડપે બેફીકરાઇથી આવતી મારૂતિ કારના ચાલકે ઠોકરે ચડાવી હડફેટે લેતા આધેડને શરીરે અને માથામાં ગંભીર ઈજા પહોંચતા 23 દિવસની સારવાર બાદ મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
અકસ્માતના બનાવની વિગત મુજબ, ધ્રોલ ગામમાં મદ્રેસા મસ્જિદ પાસે જૂની જેલ રોડ પર રહેતાં સુલતાનખાન મોગલ માર્કેટીંગ યાર્ડમાં છૂટક મજૂરી કરતા નામના આધેડ ગત તા.1 લી મે ના વહેલીસવારના 4 વાગ્યાના અરસામાં તેની રેંકડી લઇને શાકભાજી ભરી ફેરો ભરવા યાર્ડના મેઈન ગેઈટ સામેના રાજકોટ – જામનગર હાઈવે પર પહોંચ્યા ત્યારે જામનગર તરફથી પૂરઝડપે આવી રહેલી જીજે-03-સીએ-3723 નંબરની મારૂતિ કારના ચાલકે આધેડને રેંકડી સહિત પાછળથી ઠોકરે ચડાવતા અકસ્માતમાં આધેડને કપાળમાં અને માથામાં તથા બંને હાથમાં ગંભીર ઈજા પહોંચી હતી. ત્યારબાદ ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું બુધવારે સાંજના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની મૃતકના પુત્ર મોઈનખાન દ્વારા જાણ કરાતા પીએસઆઇ પી.જી.પનારા સહિતનો સ્ટાફ મારૂતિ કારચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.