કાલાવડના પ્રભુજીપીપડીયા ગામ તરફ જવાના રસ્તે સીમ વિસ્તારમાં ગત તા. 19, 20 મેની રાત્રીના સમયે કેબલ વાયરની ચોરી થવા પામી હતી. આ અંગે કાલાવડ પોલીસ સ્ટેશનમાં ચોરીની ફરિયાદ નોંધાવવામાં આવી હતી. દરમિયાન કેબલ ચોરી કરનારા શખ્સોને પકડી પાડવા માટે પોલીસે હાથ ધરેલા સઘન પેટ્રોલિંગ દરમિયાન બે શખ્સો શંકાસ્પદ હિલચાલ કરી રહ્યા હોવાની બાતમી મળતાં પોલીસે રાજકોટ રોડ ઉપરથી રમેશ ઉર્ફે શેરુ દિલુભાઇ ગોચર તેમજ રવજી રમુભાઇ સાડમીયા નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. તેની પાસે રહેલા બાચકાની તલાસી લેતાં તેમાંથી રૂા. 6000ની કિંમતના ધાતુના વાયરોનો ગુચ્છો મળી આવ્યો હતો. આથી પોલીસે બંને શખ્સોની અટકાયત કરી વાયરનો જથ્થો કબજે કર્યો હતો. આ બન્ને શખ્સોની પૂછપરછ દરમિયાન તેમના કેબલ ચોરીના અંદામ આપ્યો હોવાની કબુલાત આપતા પોલીસે ગણતરીના દિવસોમાં કેબલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. આ કાર્યવાહી જામનગર ગ્રામ્ય ડીવાયએસપી ડી.ટી. વાઘેલા અને એમ.બી. સોલંકીની સૂચનાથી કાલાવડ પોલીસ ઇન્સ. બી.એમ. કાતરીયા તથા સબ ઇન્સ. એચ.ડી. વડાવીયા તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.