કલ્યાણપુરાથી આશરે 25 કિલોમીટર દૂર હર્ષદ નજીક થોડા સમય પૂર્વે હાલ પોરબંદર તાલુકાના અડવાણા ગામે રહેતા અજયભાઈ જેઠાભાઈ વાઘેલાના પત્ની જોસનાબેન (ઉ.વ. 25) એ ઝેરી દવા પી લેતા તેણીને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ગત તારીખ 13 મે ના રોજ તેણીનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું.
આ બનાવની નોંધ કરાવતા મૃતકના પતિ અજયભાઈ વાઘેલા (રહે. અડવાણા)એ કલ્યાણપુર પોલીસ મથકમાં જાહેર કરેલી વિગત મુજબ મૃતક જોસનાબેન તથા ભોગ બનનાર સાહેદ રમેશભાઈ દેવાભાઈ વાઘેલા જેઓ બંને માસી-ભાણેજ થતા હોય, બંને વચ્ચે મનમેળ થતા પ્રેમ સંબંધ બંધાયો હતો. અને તેઓ બંને ઘરેથી ભાગી ગયા હતા.
આ યુવતી જોસનાબેન તથા રમેશભાઈ પરિણીત હોય, જેથી તેઓને મનમાં વિચારો આવતા હોય કે આ તેઓથી ખોટું પગલું ભરાઈ ગયું છે. જેથી તે બંનેને મનમાં લાગી આવતા બંનેએ પોત-પોતાના મેળે પાકમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેઓને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન જોસનાબેનનું મૃત્યુ નીપજ્યું હતું. આ પ્રકરણ અંગે કલ્યાણપુર પોલીસે ધોરણસર નોંધ કરી, ડીવાયએસપીના વડપણ હેઠળ આગળની કાર્યવાહી પી.એસ.આઈ. કે.એમ. જાડેજા દ્વારા કરવામાં આવી છે.