ખંભાળિયા તાલુકાના ટિંબડી ગામે રહેતા મેહુલગર જગદીશગર ગોસાઈ નામના 26 વર્ષના બાબાજી યુવાને આ જ ગામના બળવંતસિંહ ચાવડા તથા તેમના પુત્રો અજયસિંહ અને વિજયસિંહ બળવંતસિંહ ચાવડા સામે ગેડા તથા લોખંડના પાઈપ અને લાકડી વડે હુમલો કરી, બેફામ માર મારી, ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ અહીંના પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી પરિવારની એક યુવતીને આરોપી વિજયસિંહ બળવંતસિંહ ચાવડા સ્નેપચેટ મારફતે મેસેજ કરતો હોય, જેને મેહુલગર ગોસાઈએ ના કહેતા આ બનાવ બન્યો હોવાનું પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ સમગ્ર બનાવવા અંગે પોલીસે આઈપીસી કલમ 324, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ એ.એસ.આઈ. જે.પી. જાડેજા દ્વારા હાથ ધરવામાં આવી છે.
આ પ્રકરણમાં સામાપક્ષે ચેતનાબા બળવંતસિંહ ચાવડા (ઉ.વ. 40, રહે ટિંબડી) દ્વારા મેહુલ ગોસાઈ સામે નોંધાવેલી પોલીસ ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપી મેહુલ ફરિયાદીના ઘરની બહાર લાકડી લઈને દેકારો કરતા હોય, જેથી ચેતનાબાએ તેને દેકારો કરવાની ના પાડતા અને તેના ઘરે ચાલ્યા જવા જણાવતાં આરોપીએ ઉશ્કેરાઈ અને બિભત્સ ગાળો કાઢી, તેની પાસે રહેલી લાકડી ફરિયાદીના ઘરમાં મારી હોવાથી પોલીસે મેહુલ ગોસાઈ સામે પણ કલમ 504 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.