Saturday, January 11, 2025
Homeરાજ્યહાલારજીવિત વ્યક્તિઓના ડેથ સર્ટીફિકેટ દ્વારા વીમા કંપની સાથે કરોડોની છેતરપિંડી

જીવિત વ્યક્તિઓના ડેથ સર્ટીફિકેટ દ્વારા વીમા કંપની સાથે કરોડોની છેતરપિંડી

એક કરોડના વીમા મૂકતા સેલ્સ મેનેજરો સામે પોલીસ ફરિયાદ : સાત પૈકી પાંચ આરોપીઓની ધરપકડ : 45 જેટલા બોગસ ડેથ સર્ટીફિકેટ દ્વારા કૌભાંડ

- Advertisement -

ખંભાળિયામાં આવેલી રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં જુદા જુદા ગામોના 45 જેટલા આસામીઓના બોગસ ડેથ સર્ટિફિકેટ રજૂ કરી અને વીમા માટે કુલ રૂપિયા 1.03 કરોડની રકમના ખોટા ડેથ ક્લેમ મૂકવા સબબ ત્રણ સેલ્સ મેનેજર સહિત કુલ સાત શખ્સો સામે ગુનો નોંધાયો છે.

- Advertisement -

આ સમગ્ર પ્રકરણની ફરિયાદ મુંબઈના બાંદ્રા તાબેના વિક્રોલી ખાતે રહેતા અને બાંદ્રા કુર્લા કોમ્પલેક્ષ (પૂર્વ)માં આવેલી રિલાયન્સ નિપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં ડેપ્યુટી મેનેજર તરીકે ફરજ બજાવતા વાસુદેવભાઈ દિગંબરભાઈ પુંડલીક ટીકમ (ઉ.વ. 46) દ્વારા ખંભાળિયાની રિલાયન્સ ઇન્સ્યોરન્સ કંપનીમાં સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશ મેઘુભાઈ ભરવાડ, ધના રામ નંદાણીયા (ઉ.વ. 37, રહે. બજાણા, તા. ખંભાળિયા), અને ખીમા ચાવડા ઉપરાંત ભરત દેવાભાઈ નંદાણીયા (ઉ.વ. 25, રહે. મોડપર) રાજેશ ઉર્ફે રાજુ મગનભાઈ જગતીયા (ઉ.વ. 45, રહે. શ્રીનાથજી એવન્યુ, જુનાગઢ), ખંભાળિયા તાલુકાના સેઢા ભાડથર ગામે રહેતા અરજણ ભીખાભાઈ આંબલીયા (ઉ.વ. 33) કાનપર શેરડી ગામના રામ મચ્છાભાઈ વેજાભાઈ મુંધવા (ઉ.વ. 41) નામના કુલ સાત શખ્સો ઉપરાંત આ પ્રકરણમાં સંડોવાયેલા મનાતા અન્ય શખ્સો સામે પણ ખંભાળિયા પોલીસ મથકમાં ધોરણસર ફરિયાદ નોંધાવી છે.

આ ફરિયાદમાં જાહેર થયેલી વિગત મુજબ રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપનીમાં વીમા પોલિસી મંજૂર થવા માટે વેરિફિકેશન કરનાર એજન્સી તરફથી કોઈ ગેરકાયદેસર તજવીજ થઈ હોવા અંગેની માહિતી મળે તો કંપનીના અધિકારી ફરિયાદી વાસુદેવભાઈ દ્વારા પોલીસ સાથે લાયઝનિંગ કરી, અભ્યાસ કરીને ગેરકાયદેસર રીતે ખોટી માહિતી આપનાર વિરુદ્ધ કાર્યવાહી કરવાની કામગીરી કરવામાં આવે છે.

- Advertisement -

વર્ષ 2008 થી ડિસેમ્બર 2019 દરમિયાન ખંભાળિયાની બ્રાન્ચ ખાતે અલગ-અલગ વિમેદારની કુલ 77 વીમા પોલિસીના કલેમ થયા હતા. જે અંગે સ્થાનિક ગ્રામ પંચાયત કે કચેરી ખાતે વેરિફિકેશનમાં 32 વીમાધારકના મરણના દાખલા ખરા હોવાનું જાહેર થયું હતું. જ્યારે અન્ય 45 વીમા પોલિસીમાં વીમાધારકના મરણના દાખલાની યોગ્ય નોંધ ન હોવાથી તેઓના મરણના દાખલા ખોટા હોવાનું ધ્યાને આવ્યું હતું. આમ, જુદા જુદા નામની 45 વીમા પોલિસીમાં જે-તે વખતે સેલ્સ મેનેજર તરીકે ફરજ બજાવતા મુકેશભાઈ ભરવાડ, ધનાભાઈ નંદાણીયા તથા ખીમાભાઈ ચાવડા દ્વારા ગુનાહિત કાવતરૂ રચી, પોતાના અંગત ફાયદા માટે વીમાધારકોના મરણ અંગેના બનાવટી દાખલા અને દસ્તાવેજ બનાવી તેનો ખરા તરીકે ઉપયોગ કરી, રિલાયન્સ નીપોન લાઇફ ઇન્શ્યોરન્સ કંપની તેમજ વીમા ધારકો સાથે વિશ્વાસઘાત કરી ઠગાઈ કરી અને ખોટા ડેથ ક્લેમ મૂકી અને કુલ રૂપિયા 1,03,15,927ની રકમના ડેથ ક્લેમ કરવામાં આવ્યા હતા. આ સમગ્ર પ્રકરણ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 120 (બી), 406, 420, 465, 467, 468 તથા 471 મુજબ ગુનો નોંધી, આ પ્રકરણમાં ધના રામ નંદાણીયા, ભરત દેવાત નંદાણીયા, રાજેશ ઉર્ફે રાજુ મગનભાઈ જગતિયા અરજણ ભીખાભાઈ આંબલીયા, અને રામ મચ્છાભાઈ મુંધવા નામના પાંચ શખ્સોની અટકાયત કરી હતી. આ કૌભાંડમાં આગળની તપાસ એસ.ઓ.જી. વિભાગના પી.એસ.આઈ. પી.સી. સિંગરખીયા દ્વારા હાથ ધરવામાં આવી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular