ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત દેવભૂમિ દ્વારકામાં ચિલ્ડ્રન વેલ્ફેર કમિટી (સી.ડબલ્યુ.સી.)એ નેપાળની સગીરાના માતા-પિતાને શોધી કાઢી, બાળાનું પુન:સ્થાપન કરાવ્યું હતું.
આ સમગ્ર પ્રકરણની વિગત મુજબ આજથી આશરે દોઢ વર્ષ પહેલા નેપાળની મૂળ રહેવાસી એવી એક સગીર બાળા કે જે રાજકોટ ખાતે તેના ફૈબા સાથે રહેતી હતી, તેમના ફૈબા સાથે મનદુ:ખ થતા તેણી ત્યાંથી ટ્રેનમાં નીકળી ગઈ હતી. બાદમાં દ્વારકા આરપીએફ (રેલવે પોલીસ)ને મળેલી આ સગીરા અંગે તેમના દ્વારા ચાઇલ્ડ લાઈન 108 ને સગીરાનો કબજો સોંપ્યો હતો.
આ સમગ્ર બાત સી.ડબ્લ્યુ.સી.ના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી સમક્ષ રજુ કરવામાં આવી હતી. તેણીના કોઈ વાલી-વારસો ન હોય, જેથી તેણીને જામનગર સ્થિત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ ખાતે મોકલી આપવામાં આવી હતી.
ત્યાર બાદ સગીરાનું કાઉન્સિલિંગ કરવામાં આવતા તે મુજબ તેમને રાજકોટ સગીરાના ફૈબાની તપાસ કરવામાં આવી હતી. પોલીસ એસ્કોર્ટ સાથે સગીરા પણ સાથે ગઈ હતી. રાજકોટ તપાસ કરતા તેના ફૈબા મળી આવ્યા ન હતા. આ પછી આ સગીરાએ ઘણા સમય બાદ નેપાળના એક વિસ્તારનું નામ બોલી હતી. જે વિસ્તાર ગૂગલ મેપના સ્ટ્રીટ વ્યૂથી સી.ડબલ્યુ.સી. કમિટી તથા કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના સંયુક્ત પ્રયાસથી સગીરાને તેમનું લોકેશન બતાવવામાં આવ્યું હતું.
એક ઝુંપડપટ્ટી જેવા વિસ્તારનું લોકેશન તેણીએ બતાવ્યું હતું. સી.ડબલ્યુ.સી.ના ચેરમેન ચંદ્રશેખર બુદ્ધભટ્ટી નેપાળના નેશનલ ચાઈલ્ડ રાઈટ કાઉન્સિલ એનસીઆરસીના ઉપાધ્યક્ષ બમબહાદુર બન્યા તથા પોલીસ અધિક્ષક સાથે ટેલીફોનિક વાત કરી, તેમણે નેપાળ ચાઇલ્ડ લાઈનનો નંબર મેળવ્યો હતો.
આ પછી નેપાળ ચાઈલ્ડ લાઈનના કો-ઓર્ડીનેટ મુકેશ કોસાવાનો સંપર્ક કરી, સતત દોઢથી બે માસ સુધી સગીરાએ બતાવેલા લોકેશન પર તપાસ કરી હતી અને છેવટે તેના માતા-પિતા મળી આવ્યા હતા. આ બાદ તેનો ઘર તપાસણી અહેવાલ ચિલ્ડ્રન વેલફેર કમિટીને સુપ્રત કરી, આ કમિટી દ્વારા નેપાળ એસએમબી તથા રાજ્ય સ્તરની કાયદેસરની પ્રક્રિયા કરી, સગીર બાળાને નેપાળ મોકલવા માટે પરવાનગી માંગી હતી. નેપાળ એમ્બેસીએ કેન ઇન્ડિયા સંસ્થા દ્વારા નેપાળમાં જઈને સુપ્રત કરી, આપીશું તેવું જણાવ્યું હતું. જેથી સી.ડબ્લ્યુ.સી.ના ચેરમેન દ્વારા દિલ્હી ખાતે સોપવા માટે પોલીસ અધિક્ષક ઉપર એસ્કોર્ટ ઓર્ડરનો હુકમ કરવામાં આવ્યો હતો.
જેથી તેમણે એક એ.એસ.આઈ. પ્રતાપભાઈ ભાટીયા તથા મહિલા કોન્સ્ટેબલ ઈલાબા ખેર તથા સમાજ સુરક્ષામાંથી ટિંવકલબેન વ્યાસ અને ફોરમબેન રાઠોડ આ સગીરાને સાથે લઈને દિલ્હી ખાતેની નેપાળ એમ્બેસીમાં આ સગીર બાળાનો કબજો કેન ઇન્ડિયા પ્રતિનિધિ નવીન જોશીને સુપરત કર્યો હતો. તેઓ બે-ત્રણ દિવસમાં નેપાળ જઈને બાળાના ઘરે તેમના માતા પિતા સાથે મેળવીને તેમનો કબજો સોંપવામાં આવશે.