જામનગર સીટી એ પોલીસે તળાવની પાળ ગેઈટ નંબર 2 સામેથી બે શખ્સોને મોબાઇલ ફોન મારફત ક્રિકેટ મેચ ઉપર રનફેરનો જૂગાર રમતા ઝડપી લઇ 11,300 ની રોકડ રકમ સહિત કુલ રૂા.18,300 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેરમાં તળાવની પાળ, ગેઈટ નંબર 2 સામે બે શખ્સો મોબાઇલ એપ્લીકેશન મારફતે આઈપીએલના લખનઉ જાયન્ટ્સ અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચે ચાલતા મેચ પર જૂગાર રમતા હોવાની સીટી એ ના પો.કો. ઋષિરાજસિંહ જાડેજા તથા શિવરાજસિંહ રાઠોડને મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સુચના અને ઈન્ચાર્જ નાયબ પોલીસ અધિક્ષક મહેન્દ્રસિંહ સોલંકી તથા પીઆઈ એન.એ. ચાવડાના માર્ગદર્શન હેઠળ હેકો. દેવાયતભાઈ કાંબરીયા, રવિરાજસિંહ જાડેજા, મહિપાલસિંહ જાડેજા, શૈલેષભાઈ ઠાકરીયા, સુનિભાઈ ડેર, મહેન્દ્રભાઈ પરમાર, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, રાજેન્દ્રસિંહ ડોડિયા, ખોડુભા જાડેજા, ઋષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, વિક્રમસિંહ જાડેજા અને વિરેન્દ્રસિંહ જાડેજા સહિતના સ્ટાફે રેઈડ દરમિયાન નિલેશ શાંતિલાલ મુંજાલ તથા વિજય ભગવાનજી જોઇસર નામના બે શખ્સોને રૂા.11300 ની રોકડ રકમ તથા રૂા.7000 ની કિંમતના બે નંગ મોબાઇલ ફોન સહિત કુલ રૂા.18,300 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં. તેમજ જગદીશ ઉર્ફે જેપી ની શોધખોળ હાથ ધરી હતી.