દ્વારકા જિલ્લાના ઓખામાં મહિલાના સાસુને ફોન કરી ચાર શખ્સોએ ઘર પાસે આવી મહિલાને માર મારી ઘરના ડેલામાં તથા બાઈક ઉપર તલવારના ઘા ઝીંકયાના બનાવમાં પોલીસે ગુનો નોંધી તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, ઓખાના નવીનગરી વિસ્તારમાં રહેતા વર્ષાબેન સુરેશભાઈ ભગવાનજીભાઈ સિકોતરિયા નામના 32 વર્ષના મહિલાએ આ જ વિસ્તારમાં રહેતા મયુરભા ઉર્ફે મયલો પરબત સુમણીયા, ચિરાગ ઉર્ફે અન્નો દિનેશ પરમાર, રાજાભા જેઠાભા સુમણીયા અને લખમણભા રાજભા સુમણીયા નામના ચાર શખ્સો સામે ફરિયાદી વર્ષાબેનના સાસુ સાથે ફોનમાં બોલાચાલી કરી, બિભત્સ ગાળો કાઢી, ચારેય શખ્સોએ તેમના ઘરની બહાર તલવાર લઈને આવીને ઘરના ડેલામાં તથા તેમના મોટરસાયકલમાં તલવારના ઘા મારીને નુકસાની કર્યાની તથા વર્ષાબેનને બિભત્સ ગાળો કાઢી, માર માર્યાની ફરિયાદ ઓખા મરીન પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે.
ફરિયાદી વર્ષાબેનના સાસુ અગાઉ દારૂ વેચતા હોય અને આરોપી મયુરભાને દારૂ પીવાની આદત હોય, જ્યારે તે દારૂ પીને જાય ત્યારે ફરિયાદીના સાસુને ફોન કરી અને બિભત્સ ગાળો આપતો હોવાનું પણ પોલીસ ફરિયાદમાં જાહેર થયું છે. આ અંગે પોલીસે આઈ.પી.સી. કલમ 323, 504, 427, 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધ્યો છે.