દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના કૃષ્ણગઢ ગામમાં રહેતા યુવાનને ફોન કરી વાડીએ બોલાવ્યા બાદ ચાર શખ્સોએ છરી અને પાઈપ વડે હુમલો કરી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે ગુનો નોંધી હુમલાખોરોની શોધખોળ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ભાણવડથી આશરે 14 કિલોમીટર દૂર કૃષ્ણગઢ ગામે રહેતા અને ખેત વ્યવસાય સાથે સંકળાયેલા ભરતભાઈ માંડણભાઈ વરુ નામના 35 વર્ષના યુવાનને આ જ ગામના દેવાયત પરબત વરુ નામના શખ્સે તેમની વાડીએથી મોબાઈલ કરી અને રસ્તામાં બોલાવ્યા બાદ “તેં મારી ખટપટ કરેલ છે” તેમ કહી અને આરોપી દેવાયત પરબત, દેવરખી પરબત, નારણ માલદે વરૂ તથા કરસન લખમણ વરૂ નામના ચાર શખ્સો દ્વારા છરી તથા લોખંડના પાઇપ વડે હુમલો કરી, ફ્રેક્ચર સહિતની ઇજાઓ કર્યાની તથા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની ફરિયાદ ભાણવડ પોલીસ મથકમાં નોંધાવવામાં આવી છે. જે અંગે પોલીસ આઈ.પી.સી. કલમ 323, 324, 325, 504, 506 (2), 114 તથા જી.પી. એક્ટની કલમ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ હાથ ધરી છે.