દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ પંથકમાં ડીવાયએસપી હાર્દિક પ્રજાપતિના સીધા માર્ગદર્શન હેઠળ સ્થાનિક પોલીસ દ્વારા દારૂ-જુગાર સામે હાથ વધારવામાં આવેલી કાર્યવાહીમાં સ્થાનિક પી.એસ.આઈ. પી.ડી. વાંદાની સૂચના મુજબ પેટ્રોલિંગ દરમિયાન હેડ કોન્સ્ટેબલ કિશોરસિંહ જાડેજા, વિપુલભાઈ હેરભા તથા નારણભાઈ બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ ટાઉનમાં જકાતનાકા પાસે આવેલી ગૌશાળા પાસેથી પસાર થતી જીજે 02 બી.એચ. 9846 નંબરની એક અર્ટિગા મોટરકાર અને પોલીસે અટકાવી તેમાં ચેકિંગ કરતા આ મોટરકારમાંથી રૂ. 28,000 ની કિંમતની વિદેશી દારૂની 72 બોટલ ઉપરાંત રૂપિયા 7,000 ની કિંમતનો 350 લીટર દેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો.
આથી પોલીસે રૂપિયા ત્રણ લાખની કિંમતની મોટરકાર, રૂ. 500 ની કિંમતનો એક મોબાઈલ ફોન તથા દારૂ સહિત કુલ રૂપિયા 3,36,300 ના મુદ્દામાલ સાથે લાલપુર તાલુકાના ઝાખર ગામના મહેન્દ્રસિંહ ઉર્ફે ટીલા ચંદ્રસિંહ જેઠવા (ઉ.વ. 35) અને આ જ ગામના ખુમાનસિંહ ભીખુભા જાડેજા (ઉ.વ. 52) નામના બે શખ્સોની અટકાયત કરી હતી.
આ પ્રકરણમાં ખાતે ગંડિયા નેસ ખાતે રહેતા જેસા વેજા રબારી અને તાળીવાળા નેસ ખાતે રહેતા ઓઘડ લાખા રબારી નામના બે શખ્સો સંડોવાયેલા હોવાનું ખુલવા પામ્યું છે. જે સંદર્ભે ભાણવડ પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. પી.ડી. વાંદા દ્વારા હાથ ધરવામાં આવી છે.
ભાણવડમાં કારમાં લઈ જવાતો દારૂનો તોતિંગ જથ્થો ઝડપાયો
ઝાખર ગામના બે શખ્સોની ધરપકડ : દેશી અને વિદેશી દારૂ તથા કાર સહિત રૂા. 3.36 લાખનો મુદ્દામાલ કબ્જે