જામનગર શહેર અને જિલ્લામાં પોલીસની ધાક ઓસરતી જતી હોય તેમ દિવસને દિવસે ગુનાઓ વધતા જાય છે. તેમાં પણ હત્યા, હત્યાનો પ્રયાસ, લૂંટ, ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. દરમિયાન જામનગર શહેરમાં પોલીસ હેડકવાર્ટરની સામે આવેલા એપાર્ટમેન્ટના ગ્રાઉન્ડ ફલોરમાં રહેણાંક મકાનમાં અજાણ્યા તસ્કરોએ ત્રાટકીને એક લેપટોપ અને મોબાઇલ મળી રૂા.50,000 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. તેમજ કાલાવડ નાકા બહાર મકવાણા સોસાયટીમાં રહેણાંક મકાનમાંથી તસ્કરોએ કબાટના લોકરમાં રાખેલી રૂા.42,000 ની રોકડ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આદરી હતી.
ચોરીના બનાવની વિગત મુજબ જામનગર શહેરમાં શરૂ સેકશન રોડ પર પોલીસ હેડકવાર્ટર સામે આવેલા સુરભી એપાર્ટમેન્ટમાં ગ્રાઉન્ડ ફલોર પર રહેતા રાહુલકુમાર નામદેવ નામના યુવાનના ફલેટમાં રવિવારે સવારના 7:45 થી 10:00 વાગ્યા સુધીના સવા બે કલાકના સમય દરમિયાન અજાણ્યા તસ્કરોએ મકાનમાં પ્રવેશી રૂમમાં રાખેલી રૂા.37000 ની કિંમતનું સિલ્વર કલરનું લેપટોપ તથા રૂા.13000 ની કિંમતનો સેમસંગ કંપનીનો મોબાઇલ અને એક પાવર બેગ સહિત કુલ રૂા.50,500 ની કિંમતનો સામાન ચોરી કરી ગયા હતાં. આ અંગેની રાહુલ દ્વારા જાણ કરાતા પીએસઆઇ ડી.બી. લાખણોત્રા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ તપાસ આરંભી ચોરીનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર શહેરમાં કાલાવડ નાકા બહાર આવેલી મકવાણા સોસાયટીમાં રહેતાં ઈમરાન મુનાખાન પઠાણ નામના વેપારી યુવાનના મકાનમાં ગત તા.5 ના રોજ રાત્રિના સમય દરમિયાન અજાણ્યા તસ્કરો પ્રવેશ કરી રૂમમાં રહેલાં લોખંડના કબાટનું લોકર ચાવી વડે ખોલી તેમાં રહેલી રૂા.42,000 ની રોકડ રકમની ચોરી કરી પલાયન થઈ ગયા હતાં. ચોરીના બનાવ અંગેની વેપારી દ્વારા જાણ કરાતા પીએસઆઇ વી.આર.ગામેતી તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઈ ચોરીનો ગુનો નોંધી નોંધી તસ્કરોનું પગેરૂ મેળવવા તપાસ આરંભી હતી.