જામનગર શહેરના આવાસ કોલોનીમાં રહેતા મહિલા દ્વારા ચલાવતા કુટણખાના સ્થળે એલસીબીની ટીમે રેઈડ દરમિયાન સંચાલક અને બે શખ્સોને રૂા.16,700 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં અંધાશ્રમ પાસે આવેલા જૂની આવાસ કોલોની માં બ્લોક નં.45 અને રૂમ નં 1 તથા 3 માં રહેતાં નીતાબેન મહેન્દ્રભાઈ ઉર્ફે દલુ માવજીભાઈ વાળા નામની સિલાઈ કામ કરતી મહિલા દ્વારા તેના ઘરે બહારના રાજ્યમાંથી મહિલાઓને બોલાવી મકાનમાં શરીર સુખ માણવાની વ્યવસ્થા કરી કુટણખાનુ ચલાવતી હોવાની મળેલી બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી એલસીબી પીઆઈ જે.વી.ચૌધરી તથા ટીમે રવિવારે મોડી સાંજના સમયે રેઈડ દરમિયાન નીતાબેન અને સલીમ ઈકબાલ પીંજારા તથા કેરલનો વતની અને મોટી ખાવડીમાં રહેતા નીખીલ જયદેવન ઓટા ફુઝહીયલ નામના ત્રણેયને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 1700 ની રોકડ રકમ અને રૂા.15000 ની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા.16700 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણેય વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.