સૌરાષ્ટ્રમાં કમોસમી વરસાદ ચાલુ રહેતા ખેડૂતો પર આફતના વાદળો છવાયા છે. ગઈકાલે સાજે રાજકોટ જિલ્લાના પાટણવાવ, કલાણામાં એક જ કલાકમાં અનરાધાર 4-4 ઈંચ વરસાદ ખાબક્યો હતો. જ્યારે ધોરાજી અને ઉપલેટામાં પણ એક કલાકમાં 2-2 ઈંચ પડ્યો હતો. ધોરાજીના પાપટવાવના ઓસમ ડુંગર પરથી પાણીનો ધસમસતો ધોધ વહેતા નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. તેમજ નિચાણવાળા વિસ્તારોમાં પાણી ઘૂસ્યા હતા. આ સિવાય જેતપુર, જસદણ પંથકમાં પણ ઝાપટારૂપી વરસાદ વરસ્યો હતો.
ધોરાજી તાલુકાના કલાણા, છત્રાસા, ચીચોડ, રવની સહિતના ગામોમાં વીજળીના કડાકા ભડાકા અને તોફાની પવન સાથે ધોધમાર 4 ઈંચ વરસાદ વરસ્યો હતો. જેના પગલે ગ્રામ્ય વિસ્તારમાં ખાલી પડેલા તમામ ચેકડેમો ઓવરફ્લો થતા જોવા મળ્યા હતા. આ ગામોના નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. જ્યારે પાટણવાવમા ધોધમાર 4 ઈંચ વરસાદ વરસતા સર્વત્ર વિસ્તાર પાણી પાણી થઈ ગયો હતો. જેના કારણે ઓસમ ડુંગર પરથી પાણીનો ધોધ વહ્યો હતો. ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યો હતો.