જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં 10 દિવસથી વાતાવરણ પલટાયું છે અને શહેર તથા જિલ્લાના તાલુકા મથકોમાં તથા ગ્રામ્ય વિસ્તારોમાં છૂટો છવાયો ચોમાસાની સીઝન જેવો વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગત રાત્રિના સમયે જામનગર શહેરમાં પણ ઝાપટાં રૂપે વરસાદ વરસ્યો હતો. દરમિયાન મઠફળી વિસ્તારમાં આવેલ જર્જરિત મકાન ધરાશાયી થઈ ગયું હતું. જો કે, સદનસીબે મકાનમાં કોઇ ન હોવાથી જાનહાની ટળી હતી.
ગુજરાત રાજ્યમાં છેલ્લાં એક સપ્તાહથી પલટાયેલા હવામાનને કારણે ઠેક ઠેકાણે ચોમાસા જેવો ધોધમાર ત્રણ ઈંચ જેટલો વરસાદ વરસી રહ્યો છે. કમોસમી ધોધમાર વરસતા વરસાદને કારણે પાકમાં નુકસાની જવાની ભીતી સેવાઈ રહી છે.
ઉપરાંત જિલ્લાના તાલુકા મથકોએ પણ છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં એક સપ્તાહ દરમિયાન બે થી ત્રણ ઈંચ જેટલું પાણી વરસી ગયું છે. શુક્રવારે રાત્રિના સમયે ફરીથી એકાએક વરસાદ શરૂ થયો હતો. જો કે, થોડીકવાર જ વરસ્યા બાદ મેઘરાજાએ વિરામ લીધો હતો. આ વરસેલા વરસાદ બાદ જામનગર શહેરના મઠફળી વિસ્તારમાં આવેલું જર્જરીત મકાન ગતરાત્રિના સમયે ધરાશાયી થઈ ગયું હતું. જેથી આજુબાજુમાં રહેતાં લોકો દોડી આવ્યા હતાં અને ત્યારબાદ મહાનગરપાલિકામાં જાણ કરાતા એસ્ટેટ શાખાના નિતીન દિક્ષીત સહિતની ટીમ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને તપાસ હાથ ધરી કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી હતી. પૂછપરછ કરતા આ જર્જરીત મકાનમાં મોડીરાત્રિના માત્ર સુવા માટે આવતા હોવાનું ખુલ્યું હતું અને મકાન વહેલું ધરાશાયી થઈ જતાં જાનહાની ટળી હતી.