જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી બેંકના મહિલા કર્મચારીની છેડતી કરનાર શખ્સને ઠપકો આપતા શખ્સે મહિલાના સસરાની હત્યા નિપજાવી અને પતિ ઉપર જીવલેણ હુમલો કરતા સારવાર માટે જી જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. પોલીસે હત્યાના બનાવનો ગુનો નોંધી તપાસ આરંભી હતી.
હત્યાના બનાવની વિગત મુજબ જામનગર તાલુકાના ફલ્લા ગામમાં આવેલી સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકમાં ફરજ બજાવતી મહિલા કર્મચારીની ધવલ શાંતિભાઇ પટેલ નામના શખ્સે મહિલાની છેડતી કરી હતી અને છેડતી સંદર્ભે આજે બપોરે મહિલાના સસરા ગોવિંદભાઇ ઓધવજીભાઇ ઘેટિયા અને પતિ મિલનભાઇ ઘેટિયા નામના બન્ને પિતા-પુત્ર ધવલને ઠપકો આપવા બેંકે આવ્યા હતાં. તે સમયે ધવલે ઉશ્કેરાઇને મહિલાના સસરા ગોવિંદભાઇ ઉપર છરી વડે હુમલો કર્યો હતો અને વચ્ચે પડતા મિલન ઘેટિયા ઉપર પણ છરીના ઘા ઝીંક્યા હતાં.
છરી વડે કરાયેલા જીવલેણ હુમલામાં ગંભીર ઘવાયેલા મહિલાના સસરા ગોવિંદભાઇ ઓધવજીભાઇ ઘેટિયા (ઉ.વ.60) અને મહિલાના પતિ મિલનભાઇ (ઉ.વ.36) બન્નેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં ગોવિંદભાઇનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો. બનાવની જાણ થતાં પોલીસે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી ગુનો નોંધી હત્યારાની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.