Monday, December 23, 2024
Homeરાજ્યહાલારજિલ્લાના 25 ગામોને ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર-ટ્રોલીની ભેટ

જિલ્લાના 25 ગામોને ઘન કચરાના નિકાલ માટે ટ્રેકટર-ટ્રોલીની ભેટ

- Advertisement -

જિલ્લા પંચાયત જામનગર દ્વારા કૃષિમંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ સહિતના મહાનુભવોની ઉપસ્થિતીમાં 15માં નાણાપંચની જિલ્લા કક્ષાની 10% ગ્રાન્ટ અંતર્ગત ઘન કચરાના નિકાલ માટે 25 ગ્રામ પંચાયતોને ટ્રેકટર-ટ્રોલી અર્પણ કરવાના કાર્યક્રનું આયોજન કરાવામાં આવ્યું હતું.

- Advertisement -

જેમાં જામનગર તાલુકાના બેડ, ગાગવા, સચાણા, શેખપાટ, ખોજાબેરાજા, સાપર, લાખાબાવળ, ઢંઢા, જોડીયા તાલુકાનાં માધાપર, જામસર, સામપર, બેરાજા, વાવડી, ધ્રોલ તાલુકાના સોયલ, જાલીયા માનસર, મોડપર, જામજોધપુર તાલુકાના લુવારસર, દલ દેવડિયા, આંબરડી જામ, નંદાણા, સોનવડીયા, કાલાવડ તાલુકાના ટોડા, રાજસ્થલી, લાલપુર તાલુકાના ગોવાણા, ગોદાવરી ગામોને ધન કચરાના નિકાલ માટે ટ્રેકટર ટ્રોલીની સુવિધા અર્પણ કરાઈ હતી.

આ પ્રસંગે કૃષિમંત્રી રાઘવજીભાઇ પટેલે જણાવ્યું હતું કે મહાત્મા ગાંધીજીના સ્વચ્છ ભારતના સ્વપ્નને સાકાર કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવ્યાપી સ્વચ્છ ભારત અભિયાન ચલાવ્યું છે ત્યારે આ અભિયાનને આગળ વધારવા અને ગ્રામિણ સ્વચ્છતાના મહત્વને ધ્યાને લઈ જિલ્લા પંચાયત જામનગર દ્વારા જિલ્લાના વિવિધ 25 ગામોને ઘન કચરાના નિકાલ માટે ટ્રેક્ટર તથા ટ્રોલી અર્પણ કરવામાં આવી રહી છે. શૌચાલય નિર્માણ, સ્વચ્છ ભારત અભિયાન જેવા અનેક અભિયાનો ચલાવી સ્વચ્છ ભારત નિર્માણનું ભગીરથ કાર્ય નરેન્દ્ર મોદીના માર્ગદર્શન હેઠળ સરકાર કરી રહી છે અને જેના પરિણામ સ્વરૂપ આજે ગામડાઓ નંદનવન બન્યા છે. આત્મા ગામડાનો અને સુવિધા શહેરની સૂત્રને સાકાર કરવા સરકારે અનેક યોજનાઓ અમલમાં મૂકી છે. આવાસ, પાણી, રોડ-રસ્તા, વીજળી, રોજગારી, સખીમંડળો સહિતની સુવિધાઓ ઉભી થતા ગામડાઓ આજે વિકાસની હરણફાળ ભરી રહ્યા છે.

- Advertisement -

આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે જણાવ્યું હતું કે ગ્રામીણ વ્યવસ્થાને સુદ્રઢ કરવા નરેન્દ્ર મોદી દ્વારા જે અભિયાનો ચલાવાયા છે તે ભૂતકાળમાં ક્યારેય થયા નથી. જમીની સ્તર પર યોજનાઓ કાર્યાન્વિત કરવી અને તેની અમલવારી કરાવવી એ આ સરકારની કાર્યદક્ષતા પુરવાર કરે છે. ગ્રામીણ ક્ષેત્રના વ્યક્તિનું જીવન ધોરણ ઉચું આવે તે માટે માત્ર વાતો નહીં નક્કર પગલાં સરકાર લઈ રહી છે. સામાન્ય લોકોના પ્રશ્ર્નોનો ઉકેલ એ મહાસત્તા બનવા તરફનું પહેલું કદમ છે અને તે દિશામાં સરકાર આગળ વધી રહી છે તેમ સાંસદએ ઉમેર્યું હતું. કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજે મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી આવકાર્યા હતા જ્યારે કાર્યક્રમની આભારવીધી જોડીયા તાલુકા વિકાસ અધિકારી માધુરી પટેલે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, કારોબારી સમિતીના ચેરમેન ભરતભાઈ બોરસદીયા, શિક્ષણ સમિતીના ચેરમેન લખધીરસિંહ જાદેજા, બાંધકામ સમિતીના ચેરમેન કે.બી. ગાગીયા, જિલ્લા પંચાયત સભ્ય ચંદ્રીકાબેન અઘેરા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સિના નિયામક ચૌધરી, નાયબ જિલ્લા વિકાસ અધિકારી મંડોત તેમજ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular