જામનગર શહેરના એસ.ટી. ડેપોમાંથી મુસાફરોના પાકીટ ચોરીના બનાવો વધી ગયા હતાં. આ બનાવો અટકાવવા માટે સિટી એ ડીવીઝન પોલીસ દ્વારા તપાસ હાથ ધરી રાજ્યના જુદા જુદાં શહેરના ચાર તસ્કરને રૂા.3,30,500 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના એસ.ટી. ડેપોમાંથી મુસાફરોના પાકીટ ચોરી અને રોકડ ચોરીના વધતા જતા બનાવો અટકાવવા માટે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી વરૂણ વસાવાના માર્ગદર્શન હેઠળ પીઆઈ એન.એ. ચાવડા તથા સ્ટાફ દ્વારા તપાસ હાથ ધરી એસટી ડેપોના તેમજ કમાન્ડ કંટ્રોલના સીસીટીવી ફુટેજોના આધારે તપાસ દરમિયાન પો.કો. વિજય કાનાણી, રવિ શર્મા અને ઋષિરાજસિંહ જાડેજાને મળેલી બાતમીના આધારે પીઆઈ એન.એ.ચાવડા, પીએસઆઈ બી.એસ.વાળા, હેકો દેવાયતભાઈ કાંબરીયા, રવિન્દ્રસિંહ પરમાર, મહિપાલસિંહ જાડેજા, રવિરાજસિંહ જાડેજા, સુનિલભાઈ ડેર, શૈલેષ ઠાકરીયા, પો.કો. શિવરાજસિંહ રાઠોડ, વિક્રમસિંહ જાડેજા, મહેન્દ્રભાઈ પરમાર, વિજય કાનાણી, ખોડુભા જાડેજા, રૂષિરાજસિંહ જાડેજા, રવિભાઈ શર્મા, યોગેન્દ્રસિંહ સોઢા, રવિન્દ્રસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ જાડેજા, રાજેન્દ્રસિંહ ડોડિયા સહિતના સ્ટાફે સહિતના સ્ટાફે વોચ ગોઠવીને મીગ કોલોની પાસે જીજે-03-એલબી-0086 નંબરની કબુતરી કલરની ઈકો કારને આંતરી લીધી હતી.
પોલીસે કારને આંતરીને તેમાંથી સીદીક ઉર્ફે સિદલો ઉમર નોડે (રાજકોટ), નીલેશગીરી ઉર્ફે મુન્નો શાંતિગીરી અપારનાથી (જૂનાગઢ), કાદર હારુન માલાણી (રાજકોટ), જેન્તીલાલ ઉર્ફે બારોટ સામજી વિસાણી (અમદાવાદ) નામના ચાર શખ્સોને આંતરીને ઝડપી લઇ તેમની પાસેથી રૂા. 60,500 ની રોકડ રકમ અને રૂા.20 હજારની કિંમતના બે મોબાઇલ તેમજ રૂા.2,50,000 ની ઈકો કાર સહિત કુલ રૂા.3,30,500 નો મુદ્દામાલ કબ્જે કરી જામનગરમાં થયેલી બે પાકીટ ચોરીની ઘટનાનો ભેદ ઉકેલવામાં સફળતા મળી હતી. પોલીસે ચારેયની પૂછપરછ હાથ ધરતા આ તસ્કર ચોકડીએ અગાઉ અમદાવાદ, રાજકોટ, મહેસાણા, વડોદરા, સુરેન્દ્રનગર જેવા શહેરોના એસ.ટી. ડેપોમાં ભીડભાડવાળી બસોમાં ચડતા મુસાફરોને ટાર્ગેટ કરી તેઓના પાકીટ ચોર્યાની કેફીયત આપી હતી. જેના આધારે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી.