જામનગર શહેરમાં સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતાં બ્રાસપાર્ટના કારખાનેદાર પાસેથી રૂા.15 લાખની કિંમતનો બ્રાસપાર્ટનો સામાન લઇ જઇ જામનગરના જ શખ્સે પૈસા નહીં ચૂકવી વિશ્ર્વાસઘાત કર્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરના સ્વસ્તિક સોસાયટી વિસ્તારમાં રહેતાં નિખીલભાઈ લવજીભાઇ કાનાણી નામના પ્રૌઢની દરેડ જીઆઈડીસી ફેસ 3 માં 4300 પ્લોટ માં આવેલા ‘પટેલ મેટલ અલોયસ’ નામના બ્રાસપાર્ટના કારખાનામાંથી રણજીતસાગર રોડ પર રહેતો મિનેશ અતુલ પિત્રોડા નામનો શખ્સ રૂા.15,72,014 ની કિંમતના 12 એમ.એમ. રાઉન્ડના 2729 કિલો બ્રાસનો સામાન લઇ ગયા ગયો હતો અને ડિસેમ્બર માસમાં લીધેલા લાખોની કિંમતના સામાનના નાણાંની ચૂકવણી નહીં કરતા કારખાનેદારે અવાર-નવાર પૈસાની ઉઘરાણી કરી હોવા છતાં મિનેશએ પૈસા નહીં ચૂકવતા આખરે વેપારીએ છેતરપિંડી અને વિશ્ર્વાસઘાતની ફરિયાદ નોંધાવી હતી. જેના આધારે પીએસઆઈ એમ.એ. મોરી તથા સ્ટાફે ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.