જામનગર શહેરમાં સીટી પોલીસ લાઈનમાં રહેતાં પોલીસકર્મીને બે મહિનાથી થયેલી કમળાની બીમારી સબબ તબિયત લથડતા જી. જી. હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામજોધપુર તાલુકાના સડોદડ ગામમાં રહેતાં વૃધ્ધને માથામાં દુ:ખાવો થવાથી હેમરેજ થઈ જતા જામનગરની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જ્યાં તેનું મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું.
બનાવની વિગત મુજબ, જામનગર શહેરમાં આવેલી સીટી પોલીસ લાઈન કવાર્ટર નંબર સી 5 માં રહેતાં પુષ્પરાજસિંહ ભૂપેન્દ્રસિંહ જાડેજા (ઉ.વ.34) નામના યુવાન પોલીસકર્મીને છેલ્લાં બે માસથી કમળાની બીમારી થઈ હતી અને આ બીમારીની સારવાર પણ ચાલુ હતી. દરમિયાન સોમવારે બપોરના સમયે યુવાનની તબિયત લથડતા સારવાર માટે જામનગરની ગુરૂ ગોવિંદસિંઘ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું મંગળવારે સવારના સમયે સારવાર દરમિયાન મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. યુવાન પોલીસકર્મીના બીમારીથી મૃત્યુની જાણ થતા પોલીસબેડામાં શોકનું મોજું ફરી વળ્યું હતું. આ બનાવ અંગેની મૃતકના પિતા ભૂપેન્દ્રસિંહ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એસ.વી. સામાણી તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામજોધપુર તાલુકાના સડોદડ ગામમાં રહેતાં પોપટભાઈ જગાભાઈ ગધેથરીયા (ઉ.વ.70) નામના વૃદ્ધને ગત તા.12 ના રોજ સવારના સમયે માથામાં દુ:ખાવો થતા તેમને સારવાર માટે જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં વૃધ્ધને હેમરેજ સારવાર દરમિયાન મંગળવારે સાંજના સમયે મોત નિપજ્યાનું ફરજ પરના તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગે મૃતકનો પુત્ર અને સુરતમાં હિરાની મજૂરી કામ કરતા લલીતભાઈ દ્વારા જાણ કરાતા હેકો ડી.બી.લાઠીયા તથા સ્ટાફે હોસ્પિટલ પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.