જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી ખાતે 28મો પદવીદાન સમારોહ યોજવામાં આવ્યો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સમાજમાં પોતાનું મહત્વનું યોગદાન આપનાર અને વિશિષ્ઠ સેવા પ્રદાન કરનાર ચાર મહાનુભાવોને ડી. લિટ (ડોક્ટર ઓફ લિટરેચર)ની પદવી એનાયત કરવામાં આવી હતી. હાલ જામનગરમાં રહેતા અને 54 વર્ષથી આયુર્વેદના વ્યવસાયમાં તબીબી અને શૈક્ષણિક કાર્ય સાથે હંમેશા જોડાયેલા પદ્મશ્રી ડો. ગુરદીપ સિંઘનો જન્મ 10 ઓગસ્ટ 1941માં થયો હતો. વર્ષ 1966માં જીવાજી યુનિવર્સિટી ગ્વાલિયરમાં બીએએમએસના અભ્યાસક્રમમાં તેઓએ પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. વર્ષ 1971માં બીએચયુ વારાણસી યુનિવર્સિટીમાં કાયચિકિત્સા વિષયમાં એમ. ડી.(આયુર્વેદ), વર્ષ 1974માં વારાણસી બીએચયુમાં કાયાચિકિત્સામાં પીએચડીની ડિગ્રી તેમજ વર્ષ 1960માં એનસીસીમાં એનસીસી બી સર્ટિફિકેટ મેળવેલ છે. વર્ષ 2020માં તેઓને ચીકીત્સામાં પદ્મશ્રી એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત 3 ગોલ્ડ મેડલ પણ મેળવેલ છે. એઆઈટીએ ન્યુ દિલ્હી દ્વારા બેસ્ટ શિક્ષક, આયુર્વેદ શિક્ષણ ક્ષેત્રે પોતાનું વિશિષ્ઠ યોગદાન આપવા બદલ સહિતની અનેક સિદ્ધિઓ તેઓએ મેળવેલ છે. પદ્મશ્રી ડો. ગુરદીપ સિંઘ જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીમાં પણ સેવા આપી ચૂક્યા છે.તેમજ ડિપ્લોમા ઇન પંચકર્મા વિષય ઉપર તેઓએ રિસર્ચ કરેલ છે. અને વિદેશની યુનિવર્સિટીઓમાં પણ ડો.ગુરદીપસિંઘ આયુર્વેદ ક્ષેત્રે પ્રચાર કરી ચૂક્યા છે. તેમના જેવા વિદ્વાન, ઉત્તમ ડોક્ટર, શિક્ષક અને સંશોધકનું જામનગરની ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી દ્વારા સન્માન કરવામાં આવ્યું છે. જેમણે પોતાનું આખું જીવન આયુર્વેદ વિજ્ઞાન-સંશોધન અને તાલીમ માટે સમર્પિત કર્યું છે અને આયુર્વેદ ક્ષેત્રે અવિસ્મરણીય યોગદાન આપ્યું છે.