ખંભાળિયામાં રહેતા સામાજિક કાર્યકર અને બ્રહ્મ સમાજના અગ્રણી સંદીપભાઈ ખેતિયાના ગાંધીનગર ખાતે અભ્યાસ કરતા 19 વર્ષના પુત્ર કેશવને કોલેજને સંચાલકો દ્વારા ઓછી હાજરીના કારણે પરીક્ષા આપવા ન દેતા આ બનાવથી વ્યથિત અવસ્થામાં તેણે ટ્રેન હેઠળ ઝંપલાવીને આપઘાત કરી લીધાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે. જેના સંદર્ભે એ.બી.વી.પી. દ્વારા કોલેજના પ્રોફેસર તથા એચઓડીની આ પ્રકારની વર્તણૂકના કારણે આપઘાત કરી લીધો હોવાનું જણાવી, આ બાબતે સંબંધિત તંત્રને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. આટલું જ નહીં, આ પ્રકરણમાં ઊંડાણપૂર્વકની તપાસ કરવા અને તટસ્થ તથા ન્યાયી કાર્યવાહી કરી, આ મુદ્દે જરૂરી પગલાં લેવાની માંગણી પણ કરવામાં આવી હતી.
સૌરાષ્ટ્ર-કચ્છ બ્રહ્મ સમાજના ટ્રસ્ટી મોહનભાઈ મોકરીયાએ આ આપઘાત પ્રકરણમાં જણાવ્યું હતું કે કોલેજના પ્રોફેસર તથા સ્ટાફના કૃત્યથી વિપ્ર યુવાને મોત મીઠું કરી લીધું હોય, સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છ તથા ગુજરાતમાં બ્રહ્મ સમાજ દ્વારા આ મુદ્દે આવેદન અપાશે. એટલું જ નહીં, રાજ્ય સરકારને પણ બ્રહ્મ સમાજનું પ્રતિનિધિ મંડળ રૂબરૂ આવેદનપત્ર આપવા જશે. આ ઉપરાંત કડક પગલાની માંગ સાથે કેશવ આત્મહત્યા કેસની તપાસ કરી અને આપઘાત કરવા પ્રેરિત કરનારા લોકો સામે પગલાની માંગણી પણ બ્રહ્મ સમાજ દ્વારા કરવામાં આવશે.
ખંભાળિયાના વિપ્ર યુવાનના આપઘાત પ્રકરણમાં એબીવીપી દ્વારા આવેદન
કોલેજ સંચાલકોના કથિત ત્રાસથી પગલું ભર્યું હોવાનું કથન