પરીક્ષાઓ પૂર્ણ થતા વેકેશન શરૂ થયું છે. ત્યારે લોકો ઠેર-ઠેર પ્રવાસ માટે નિકળતા હોય છે. આ બાબતને ધ્યાનમાં લઇને મુસાફરોની માંગણી જોતા જીએસઆરટીસી દ્વારા રાજ્યમાં દૈનિક 1400 થી વધુ એકસ્ટ્રા એકસપ્રેસ બસ સર્વિસ શરૂ કરશે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા વાહન વ્યવહાર નિગમ દ્વારા દર વર્ષે ઉનાળુ વેકેશન દરમિયાન મુસાફરોની માંગણીને ધ્યાને લઇ એકસ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવે છે.
આ વર્ષે પણ મુસાફરોના વિશાળ હિતને ધ્યાને રાખી રાજ્યના જુદા જુદા અને મોટા શહેરોને જોડતી દૈનિક 1400 થી વધુ એકસ્ટ્રા એકસપ્રેસ બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં મુખ્યત્વે સુરતથી સૌરાષ્ટ્ર તરફ, સૌરાષ્ટ્ર ઉત્તર તરફ, દક્ષિણથી ઉત્તર અને સૌરાષ્ટ્ર તરફ બસ સર્વિસ સંચાલિત કરવામાં આવશે. આ ઉપરાંત ગુજરાત રાજ્યમાંથી મહારાષ્ટ્ર તથા રાજસ્થાનમાં પણ આંતર-રાજ્ય બસ સર્વિસ સંચાલિત કરવાનું આયોજન કરવામાં આવ્યું છે.
અંબાજી, સોમનાથ, દ્વારકા, ડાકોર, પાવાગઢ, ગીરનાર જેવા રાજ્યના ધાર્મિક સ્થળો તેમજ સ્ટેચ્યુ ઓફ યુનિટી સાસણગીર, સાપુતારા, દીવ અને કચ્છ જેવા પ્રવાસન સ્થળો ખાતે બસ સુવિધા કરાશે. આ ઉપરાંત રાજસ્થાનમા, માઉન્ટ આબુ, સુન્ધામાતા અને મહારાષ્ટ્રમાં શિરડી, નાસિક, ધુલિયા જેવા આંતરરાજ્ય સ્થળોએ પણ બસ સુવિધા ઉપલબ્ધ કરાશે. જેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.