દ્વારકા જિલ્લામાં રાજ્યના રમતગમત યુવા અને સાંસ્કૃતિક વિભાગ દ્વારા મંજૂર થયેલા રૂપિયા 16.59 કરોડના ખર્ચે બનનારા રમતગમત સંકુલનું ભૂમિ પૂજન ગઇકાલે શહેર નજીક આવેલા હરીપર વિસ્તારમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા તથા સાંસદ પૂનમબેન માડમના હસ્તે કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમ તથા રાજ્યમંત્રી મુળુભાઈ બેરાએ તેમના પ્રસંગિક વક્તવ્યમાં જણાવ્યું હતું કે દ્વારકા જિલ્લા જેવા છેવાળાના જિલ્લામાં રાજ્ય સરકાર દ્વારા અદ્યતન સુવિધાથી સભર રમતગમત સંકુલ જિલ્લાના છાત્રોને ખૂબ જ ઉપયોગી નિવડશે. કેન્દ્ર તથા રાજ્ય સરકારની રમતગમત તથા ખેલાડીઓ માટેની સગવડતા તથા તેમજ યોજનાઓ અને લેવામાં આવેલા પગલાં અંગે પણ તેઓએ જાણકારી આપી હતી. હરીપર નજીક આશરે 11 એકર જેટલી વિશાળ જગ્યા પર નિર્માણ થનારા આ જિલ્લા રમતગમત સંકુલમાં 400 મીટર એટલેટીક ટ્રેક, ગ્રાસી ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ – વોલીબોલ ગ્રાઉન્ડ, ખો-ખો કબડ્ડી ગ્રાઉન્ડ તેમજ ટેનિસ કોર્ટ સાથેની સુવિધા પ્રાપ્ત થશે. આ કાર્યક્રમમાં જિલ્લા કલેકટર અશોકકુમાર શર્મા, અગ્રણી પી.એસ. જાડેજા, હરિભાઈ નકુમ, અનિલભાઈ તન્ના, ભરતભાઈ ચાવડા, ઘેલુભા જાડેજા, જીગ્નેશભાઈ પરમાર, ઇન્દ્રજીતસિંહ પરમાર, પરબતભાઈ ભાદરકા, હિતેશભાઈ પિંડારિયા વિગેરે જોડાયા હતા. સિનિયર કોચ હિતેશભાઈ પ્રજાપતિ તથા સ્ટાફ દ્વારા સમગ્ર આયોજન થયું હતું.