જામનગર જિલ્લાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી સહિતની ટીમો દ્વારા સીઓટીપીએ-2003 હેઠળ તમાકુ વેચાણ કરતી દુકાનોમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં કુલ 39 જેટલા કેસ કરી રૂા. 7000 જેટલો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.
તા. 19ના રોજ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પી.એન. કન્નર અને એકેડેમિક મેડિકલ ઓફિસર ડો. એસ.આર. રાઠોડના માર્ગદર્શન હેઠળ જામનગર જિલ્લાના મેઘપર, પડાણા, કાનાલુસ તેમજ લેબર કોલોની પરપ્રાંતિય મજૂરોના રહેણાંક વિસ્તારની બાજુમાં આવેલ દુકાનોમાં સીઓટીપીએ-2003 હેઠળ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં જાહેર સ્થળોએ ધુમ્રપાન પર પ્રતિબંધ અંતર્ગત બાર કેસ કરવામાં આવ્યા હતાં. તેમજ 18 વર્ષથી નીચેની વયની વ્યક્તિઓને તમાકુ કે તમાકુની બનાવટ વેચવા પર પ્રતિબંધ અંતર્ગત 19 કેસ તથા શૈક્ષણિક સંસ્થાઓની 100 મીટરના વિસ્તારમાં તમાકુ વેચાણ પ્રતિબંધ વેચાણ નિયમ અંતર્ગત આઠ કેસ મળી કુલ 39 જેટલ કેસ કરવામાં આવ્યા હતાં. તેમજ રૂા. 7000નો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો. આ કાર્યવાહી જિલ્લા આઇઇસી ઓફિસર નિજર મોદી, તાલુકા સુપરવાઇઝર જી.પી. મકવાણા, જિલ્લા કાઉન્સિલર નઝમાબેન હાલા, સોશિયલ વર્કર ગૌતમ સોંદરવા તથા પડાણા પોલીસ સ્ટેશનના મહેશભાઇ ડાંગર દ્વારા કરવામાં આવી હતી.