જામનગર તાલુકાના દરેડ ગામના બસ સ્ટેન્ડ પાસે ટ્રેલરે હડફેટે લઇ મહિલાનું મોત નિપજાવ્યાના બનાવમાં પોલીસ દ્વારા તપાસ હાથ ધરાતા મહિલા દરેડ ગામમાં રહેતી હોવાની ઓળખ થઈ હતી.
અકસ્માતના બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના દરેડ ગામમાં લાલપુર રોડ પર આવેલી ગૌશાળા નજીક વહેલીસવારે પૂરઝડપે બેફીકરાઈથી પસાર થતા જીજે-12-બીવી-9759 નંબરના ટ્રેલર ચાલકે માર્ગ પરથી પસાર થતા વૃદ્ધાને હડફેટે લેતા અકસ્માતમાં ગંભીર ઈજા પહોંચતા વૃધ્ધાનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવની જાણ થતા પીએસઆઈ એમ.એ.મોરી તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી ઓળખ મેળવવા તજવીજ હાથ ધરતા મૃતદેહ દરેડ ગામમાં રહેતાં રકુબેન હદાભાઈ ટોયટાનો હોવાની કશ્યપભાઈ ટોયટા દ્વારા ઓળખ કરવામાં આવી હતી. જેના આધારે પોલીસે ટ્રેલરચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.