દેશભરમાં ચાલી રહેલા આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચો ઉપર કરોડોનો સટ્ટો રમાડાઈ છે. આ સટ્ટો સમગ્ર દેશમાં રમાતો હોય છે. જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાંથી સનરાઈઝ હૈદરાબાદ અને મુંબઇ ઈન્ડીયન્સ વચ્ચે રમાતા મેચ પર રનફેરનો જૂગાર રમાડતા બે શખ્સોને સ્થાનિક પોલીસે રૂા.10,320 ની રોકડ રકમ અને રૂા.60 હજારની કિંમતના બે મોબાઇલ મળી કુલ રૂા.70,320 ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતાં.
જૂગાર દરોડાની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં ક્રિકેટ ટૂર્નામેન્ટ ઉપર કરોડોનો સટ્ટો રમાતો હોય છે તેમાં દરરોજ જુદા જુદા સ્થળોએ પોલીસ દરોડા પાડે છે. તેમાં જામજોધપુર તાલુકાના મોટી ગોપ ગામમાં આવેલા ગાયત્રી ચોકમાં જાહેરમાં ક્રિકેટનો સટ્ટો રમાતો હોવાની હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. દિલીપસિંહ જાડેજાને મળેલી સંયુકત બાતમીના આધારે પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની સૂચનાથી ગ્રામ્ય ડીવાયએસપી ડી.પી.વાઘેલાના માર્ગદર્શન હેઠળ પીઆઈ સી.એચ.પનારા, હેકો પ્રજ્ઞરાજસિંહ જાડેજા, પો.કો. મનહરસિંહ જાડેજા, ઋષિરાજસિંહ વાળા, દિલીપસિંહ જાડેજા, અશોક ગાગીયા, માનસંગ ઝાપડીયા, મહિલા પોલીસ કોન્સ્ટેબલ રિધ્ધીબેન વાડોદરિયા સહિતના સ્ટાફે વોચ ગોઠવીને રેઈડ દરમિયાન આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટમાં મુંબઇ ઈન્ડીયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ વચ્ચે રમાતી મેચ ઉપર રનફેરની હારજીત કરી જૂગાર રમાડતા દેવાણંદ ઉર્ફે દેવો માલદે નંદાણિયા, પ્રતિક વ્રજલાલ જોશી નામના બે શખ્સોને ઝડપી લીધા હતાં. જામજોધપુર પોલીસે બંને શખ્સો પાસેથી રૂા.10320 ની રોકડ રકમ અને રૂા.60 હજારની કિંમતના બે નંગ મોબાઇલ મળી કુલ રૂા.70320 નો મુદ્દામાલ કબ્જે કરી બંને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.