હરિયાણામાં એક મોટી દુર્ઘટના સર્જાઈ છે. કરનાલમાં આજે વહેલી સવારે એક ચોખાની મિલની ઈમારત ધરાશાયી થવાની દુર્ઘટના બની હતી. આ દુર્ઘટનામાં ચાર મજૂરોના મોત થયા છે જ્યારે 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટનાસ્થળે બચાવ કામગીરી ચાલી રહી છે.
હરિયાણાના કરનાલના તરવાડીમાં આજે વહેલી સવારે શિવ શક્તિ નામની ચોખાની મિલની ત્રણ માળની ઇમારત ધરાશાયી થઈ હતી. આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ચાર મજૂરોના મોત થયા હતા. જ્યારે 20થી વધુ મજૂરો ગંભીર રીતે ઘાયલ થયા હતા. દુર્ઘટના સમયે બિલ્ડિંગમાં ઘણા મજૂરો સૂતા હતા. અનેક મજૂરો કાટમાળ નીચે દબાયાની આશંકા લગાવાઈ રહી છે.
આ દુર્ઘટનાની વધુ માહિતી મુજબ આ ચોખાના મિલની ત્રણ માળની ઇમારતમાં 200 જેટલા મજૂરો રહેતા હતા. બિલ્ડિંગ ધરાશાયી થયાની જાણ થતાં ફાયર બ્રિગેડ, પોલીસ, એમ્બ્યુલન્સ ઘટના સ્થળે પહોંચી હતી. રાહત અને બચાવ કામગીરી શરૂ કરી અને કાટમાળમાંથી મજૂરોને બહાર કાઢ્યા હતા. જો કે બિલ્ડિંગ ધરાશાયી થવાનું કારણ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી. એસપી કરનાલ શશાંક કુમારે કહ્યું કે ખૂબ જ દુ:ખદ ઘટના બની છે અને આ મામલે યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. આ ઉપરાંત વધુમાં તેણે કહ્યું કે વળતર આપવામાં આવશે. ગુમ થયેલા લોકોના મૃતદેહ મળી આવ્યા છે. કાટમાળ હટાવવામાં આવી રહ્યો છે. કમિટીના રિપોર્ટ બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.