વૈષ્ણવ સમાજ દ્વારા જામનગરમાં પુષ્ટિ સંપ્રદાયના સ્થાપક શ્રીમદ્ વલ્લભાચાર્યજીના 546માં પ્રાગટ્ય મહોત્સવની પાંચ દિવસની ઉજવણી કરાઇ રહી છે. જેમાં ગઇકાલે ચોથા દિવસે પ્રાટ્ય મહોત્સવ નિમિત્તે બાઇક રેલી શોભાયાત્રા સહિતના કાર્યક્રમો યોજાયા હતાં. મોટીહવેલીમાં સવારે 6 વાગ્યે મંગલા આરતી બાદ 7 વાગ્યે વાહનો સાથેની પ્રભાતફેરી યોજાઇ હતી. જે શહેરના રાજમાર્ગો ઉપર ફરીને મહાપ્રભુજીની બેઠકે પૂર્ણ થઇ હતી. આ ઉપરાંત રાજભોગ આરતી, તિલક દર્શન, સંધ્યા આરતી સહિતના કાર્યક્રમો યોજાયા બાદ સાંજે મોટીહવેલીથી શોભાયાત્રા નિકળી હતી. જે વાણિયાવાડ, ચાંદીબજાર, માંડવી ટાવર, હવાઇચોક સહિતના રાજમાર્ગો ઉપર થઇ મોટી હવેલી ખાતે પૂર્ણ થઇ હતી. જેમાં વૈષ્ણવો મોટી સંખ્યામાં જોડાયા હતાં.