જામનગરમાં રામ નવમીના દિવસે થયેલી બોલાચાલીનો ખાર રાખી ત્રણ શખ્સોએ એક વણિક યુવાન પર પાઈપ અને તલવાર વડે હુમલો કરી ગંભીર ઈજા પહોંચાડી છે. જામનગરમાં સાધના કોલોનીમાં રહેતાં હર્ષ પરેશભાઈ મહેતા નામના યુવાનને રામનવમીના દિવસે આ વિસ્તારમાં જ રહેતાં પુનિત બિપીનભાઈ દાણીધારીયા સાથે બોલાચાલી અને ઝઘડો થયો હતો. આ બાબતનો ખાર રાખી પુનિત દાણીધારીયા ગઈકાલે બપોરે અન્ય બે શખ્સો વંશરાજસિંહ ગજેન્દ્રસિંહ, ગજેન્દ્રસિંહ દિલીપસિંહ તથા દુષ્યંતસિંહ ભરતસિંહ પીંગળ ને સાથે રાખી ગ્રેઈન માર્કેટમાં હનુમાનજીની ડેરી પાસેથી પસાર થતા હર્ષ મહેતાને આંતરી તેના પર લોખંડના પાઈપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. આ હુમલામાં હર્ષને ખભાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી. હુમલાની ઘટનાને અંજામ આપી ચારેય શખ્સો નાશી છૂટયા હતાં. જ્યારે ઈજાગ્રસ્ત હર્ષ મહેતાને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેમણે પોલીસ સમક્ષ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હથિયાર બંધી જાહેરનામાના ભંગ સહિતની કલમો અંતર્ગત ગુનો નોંધી આરોપીઓની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી હતી.