જામનગર જિલ્લાના જોડિયા પંથકમાં ખનીજ માફિયાઓનું સામ્રાજ્ય અવિરત ચાલુ રહે છે. પોલીસ દ્વારા કડક કાર્યવાહી કર્યા બાદ ફરીથી ખનીજ માફિયાઓ સક્રિય બની જાય છે. આજી નદીના પટમાં ખનીજ ચોરી સ્થળ પર સ્થાનિક પોલીસે રેઈડ દરમિયાન બે ડમ્પરો અને હિટાચી સહિતના વાહનો કબ્જે કરી ખનીજ ચોરી અંગેનો સર્વે કરવામાં આવી રહ્યો છે.
આ અંગેની વિગત મુજબ, જોડિયા પંથકમાં નદીના પટ વિસ્તારમાં અવાર-નવાર ખનીજ ચોરી કરાતા સ્થળે પોલીસ દ્વારા રેઈડ દરમિયાન કાર્યવાહી કરવામાં આવે છે. ત્યારે સ્ટેટ વીજીલન્સ દ્વારા રેઈડ પાડવામાં આવે છે પરંતુ આ કાર્યવાહી બાદ થોડા સમય પછી ફરીથી ખનીજ ચોરો સક્રિય બની જતાં હોય છે. દરમિયાન જોડિયા નજીક આવેલી આજી નદીના પટમાં ખનીજ ચોરી કરાતી હોવાની મળેલી બાતમીના આધારે પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા સ્ટાફે આજે વહેલીસવારે રેઈડ દરમિયાન અશોક નામના લીઝધારક દ્વારા તેની લીઝમા નિયમોનું પાલન કર્યા વગર અથવા તો લીઝના બહારના ભાગમાંથી ચોરી કરાતી હોવાનું ખૂલ્યું હતું. જેથી પોલીસે રેઈડ દરમિયાન એક હિટાચી મશીન અને બે ડમ્પરો સહિતનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. અને પોલીસે આ ખનીજ ચોરી અંગે ખાણ-ખનીજ વિભાગને જાણ કરવામાં આવી હતી. જેના આધારે ખાણ ખનીજ વિભાગે કેટલી ખનીજ ચોરી કરવામાં આવી છે ? તે અંગેની સર્વે કામગીરી હાથ ધરવામાં આવી હતી.