જામનગર જિલ્લાના જોડિયામાં 5ેટ્રોલ પંપ પાસેથી 258 મણ જીરૂ (જેની કિંમત રૂા. 17 લાખ) ચોરીમાં પોલીસે આંતરરાજ્ય ‘તાલપત્રી ગેંગ’ના ચાર શખ્સોને દબોચી લીધા હતાં. જોડિયા પોલીસે કોર્ટમાં રજૂ કરીને ત્રણ દિવસના રિમાન્ડ પર લીધા છે. આ ચારેય શખ્સોને દડીયા પાસેથી એલસીબીએ ઝડપી લીધા હતાં. નાશી છૂટેલા બે શખ્સોની શોધખોળ આરંભી છે.
આ અંગેની વિગત મુજબ, જોડિયામાં પેટ્રોલ પંપ પાસે ગત તા. 2 એપ્રિલના રોજ 257 મણ અને 16 કિલો જેની કિંમત રૂા. 17,07,778ની થાય છે. જીરાની ચોરી કરી ગયાની વેપારી મગનભાઇ સંતોકીએ પોલીસમાં ફરિયાદ સંદર્ભે એલસીબી અને જોડિયા પોલીસે તપાસ હાથ ધરીને ગણતરીના દિવસોમાં જ ચોરીનો ભેદ ઉકેલી આંતરરાજ્ય તાલપત્રી ગેંગના ખાલિદ ઉર્ફે ડાંગરી ઉર્ફે ભૂરીયો યાકુબભાઇ ચરખા, ઇરફાન અબ્દુહમીદ હુશેનભાઇ દુરવેશ શેખ, ફૈસલ યાકુબ અબ્દુલ્લા ઓકલા, સુફિયા યાકુબ ઇસ્માઇલ પઠાણને ઝડપી લીધા હતાં. તેના કબજામાંથી રૂા.14.85 લાખનું 225 મણ જીરૂ, આઇસર ગાડી અને ત્રણ મોબાઇલ ફોન મળીને રૂા. 20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. જેમાં રમેશ જાળિયા આદિવાસી, સુલમાન અબ્દુલગની કઠડીના નામ ખૂલયા હતાં.
આ તાલપત્રી ગેંગ ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશના ધોરીમાર્ગ પર આવેલા પેટ્રોલ પંપ તથા હોટલ પર પાર્ક કરેલા ટ્રક અને આઈસરમાં ભરેલો સામાન તાલપત્રી કાપી વાહનમાંથી ચોરી આચરતા હોવાની ‘તાલપત્રી ગેંગ’ એ કેફિયત આપી હતી. તેમજ આ ગેંગ દ્વારા કુલ 36 ગુનાઓ આચરવામાં આવ્યા છે. જોડિયા પોલીસે ઝડપાયેલા ચારેય શખ્સોને કોર્ટમાં રજૂ કરીને 3 દિવસના રિમાન્ડ પર લઇને ફરાર બે શખ્સોની શોધખોળ આરંભી છે.