જામનગર શહેરમાં સ્મશાન રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતાં શખ્સને પોલીસે રૂા.5100 ની રોકડ રકમ અને વર્લીના સાહિત્ય સાથે ઝડપી લીધો હતો. જામનગરના હર્ષદમીલની ચાલી પાસે વર્લીના આંકડા લખતા શખ્સને રૂા.4000 ની રોકડ રકમ સાથે અને કે.કે.બેકરી પાસેથી પોલીસે ઘોડીપાસા રમતા બે શખ્સોને રૂા.720 ની રોકડ રકમ સાથે ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
જૂગાર દરોડાની વિગત મુજબ પ્રથમ દરોડો, જામનગર શહેરમાં સ્મશાન રોડ પર જાહેરમાં વર્લીમટકાના આંકડા લખી પૈસાની હારજીત કરતા અશોક કનૈયાલાલ થાવરાણી નામના શખ્સને સિટી બી ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.5100 ની રોકડ રકમ અને વર્લીના આંકડા લખેલા સાહિત્ય સાથે ઝડપી લઇ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો દરોડો, જામનગર શહેરમાં હર્ષદમીલની ચાલી વિસ્તારમાં આવેલા પ્રણામી પાર્કના ગેઈટ સામે વર્લીના આંકડા લખી જૂગાર રમાડતા અસરફ કાસમ બ્લોચ નામના શખ્સને સીટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન રૂા.4000 ની રોકડ રકમ અને એક બોલપેન તથા વર્લીના આંકડા લખેલી સ્લીપ સાથે અસરફને ઝડપી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
ત્રીજો દરોડો, જામનગર શહેરમાં કે.કે.બેકરી પાસે આવેલી ફાત્માબાઈ મસ્જિદ નજીક જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતા હોવાની બાતમીના આધારે સિટી એ ડીવીઝન પોલીસ સ્ટાફે રેઈડ દરમિયાન મુસ્તફા અમીરમીયા બુખારી અને અલ્તાફ હુશેન સમા નામના બે શખ્સોને રૂા.720 ની રોકડ રકમ અને ઘોડીપાસાના બે નંગ સાથે ઝડપી લઇ બંને વિરૂધ્ધ વિધિવત ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.