જામનગર શહેરમાં મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક પાસેથી દૂધ લેવા જતા સમયે વૃદ્ધાના ગળામાં પહેરેલો 12 ગ્રામનો સોનાનો ચેઈન બાઈક પર આવેલ અજાણ્યો શખ્સ ચીલઝડપ કરીને પલાયન થઈ ગયો હતો.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરમાં એસ.બી. શર્મા સ્કૂલની બાજુમાં આવેલી વૃંદાવન સોસાયટીમાં શેરી નં.2 માં રહેતાં પૂનમબેન પ્રવિણભાઈ ચૌહાણ (ઉ.વ.62) નામના વૃધ્ધા શનિવારે સવારના સમયે તેના ઘરેથી મેહુલનગર એમ્યુઝમેન્ટ પાર્ક રોડ પર ત્રંબકેશ્ર્વર મહાદેવ મંદિર પાસે આવેલી દુધની ડેરી એ દૂધ લેવા જતાં હતાં તે દરમિયાન બાઈક પર આવેલા આશરે 35 વર્ષના અજાણ્યા શખ્સે વૃદ્ધા પાસે આવી તેના ગળામાં પહેરેલો રૂા.61 હજારની કિંમતનો 12 ગ્રામનો સોનાનો ચેઈનની ચીલઝડપ કરી પલકવારમાં પલાયન થઈ ગયો હતો. ત્યારબાદ વૃદ્ધાએ પોલીસમાં જાણ કરી હતી. જેના આધારે પીએસઆઈ કે.આર. સિસોદીયા તથા સ્ટાફે વૃદ્ધાના નિવેદનના આધારે ચીલઝડપનો ગુનો નોંધી તસ્કરની શોધખોળ માટે ચક્રો ગતિમાન કર્યા હતાં.