જામનગર શહેરના પંચેશ્વરટાવર પાસેના વિસ્તારમાં ત્રણ માસથી રીસામણે બેસેલી પત્નીના માવતરે આવીને દિયર સહિતના ત્રણ શખ્સોએ સમાધાન કરવા માટે વાતચીત દરમિયાન બોલાચાલી કરી યુવતી અને તેના ભાઈને થપાટ મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પંચેશ્વરટાવર નજીક ભાટની આંબલી ગોવાળની મસ્જિદ પાસેના વિસ્તારમાં છેલ્લાં ત્રણ માસથી રીસામણે બેસેલી હર્ષાબેન નામની યુવતીને તેણીના પતિ ધવલ દિનેશ સોલાણી સાથે ઝઘડો થતા રીસામણે બેઠી હતી. દરમિયાન શુક્રવારે રાત્રિના સમયે યુવતીનો દિયર પટેલ કોલોની શેરી નં. 11 માં વ્રજ મંગલ એપાર્ટમેન્ટમાં રહેતો યશ દિનેશ સોલાણી અને તેનો મિત્ર આશિષ રાઠોડ તથા નૌસાદ બ્લોચ નામના ત્રણ શખ્સો એ યુવતીના પિયરે આવીને સમાધાન કરવા વાતચીત કરતા હતા તે દરમિયાન બોલાચાલી થતા યશ સોલાણી, આશિષ રાઠોડ અને નૌસાદ બ્લોચ એ યુવતી અને તેના ભાઈ વિશાલ સાથે ઝઘડો કરી જેમ ફાવે તેમ અપશબ્દો કહ્યા હતાં. જેથી વિશાલ અપશબ્દો બોલવાની ના પાડતા યશ અને આશિષએ થપાટ મારી પતાવી દેવાની ધમકી આપી હતી.
આ બનાવ બાદ યુવતીએ પોલીસમાં જાણ કરતા હેકો ડી.આર. કાંબરીયા તથા સ્ટાફે ત્રણ શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.