અમેરિકાની અંતરીક્ષ સંશોધન સંસ્થા નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન(નાસા)ના જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે સૂર્ય મંડળનું રૂપકડું રહસ્ય શોધ્યું છે.આ મનોહર રહસ્ય છે સૌર મંડળના સાતમા ક્રમના અને બરફ તથા વાયુના વિરાટ ગોળા યુરેનસ ગ્રહનાં કુલ 13માંનાં 11 સુંદર વલયો ની અને છ ઉપગ્રહોની અદભૂત રંગીન ઇમેજીસનું પૃથ્વીથી યુરેનસ 3.0685 અબજ કિલોમીટરના અતિ અતિ દૂરના અંતરે છે. યુરેનસનાં 11 વલયો ભૂરા અને નારંગી રંગનાં છે જ્યારે યુરેનસના મીરાન્ડા, ઉબ્રીયેલ, એરિયલ, ટાઇટેનિયા વગેરે ઉપગ્રહોની છબીઓ પણ મજેદાર છે.
નાસાનાં સૂત્રોએ એવી માહિતી આપી હતી કે જેમ્સ વેબ સ્પેસ ટેલિસ્કોપે પહેલી જ વખત 2023ની 6,ફેબુ્રઆરીએ યુરેનસનાં કુલ 13માંનાં 11 સુંદર વલયોની મનોહર અને રંગીન ઇમેજીસ લીધી છે. આમાંનાં મોટાભાગનાં વલયો અતિ પ્રકાશિત અને ચળકતાં હોવાથી તેનું કુદરતી સૌંદર્ય જોઇને નાસાના ખગોળ વિજ્ઞાાનીઓ ભાવવિભોર થઇ ગયા છે. જેમ્સ વેબે તેના અત્યાધુનિક ટેકનોલોજીવાળા નિયર ઇન્ફ્રારેડ કેમેરા(એનઆઇઆરસીએએમ) દ્વારા યુરેનસનાં આ તમામ 11 વલયોની ઇમેજીસ લીધી છે.