જામનગર શહેરના નવાગામ ઘેડ વિસ્તારમાં રહેતાં મહિલાના ઘરમાં ઘુસી શખ્સે બોલાચાલી કરી સમાધાન કરી લેવા છરી બતાવી ધમકી આપી હતી. તેમજ અન્ય એક નિવૃત્ત વૃધ્ધના ઘરમાં ઘુસીને છરીની અણીએ સમાધાન કરી લેવા માટે પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે જુદી જુદી બે ફરિયાદો નોંધીને શખ્સ વિરૂધ્ધ કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના નવાગામ ઘેડ મિલન સોસાયટીમાં રહેતાં લખન ચાવડા નામના શખ્સે તેના જ વિસ્તારમાં જુદા જુદા બે સ્થળોએ જઈ સમાધાન કરી લેવા છરીની અણીએ ધમકી આપ્યાના બનાવની વિગત મુજબ, પ્રથમ બનાવ જામનગર શહેરના નવાગમ ઘેડમાં મિલન સોસાયટીમાં રહેતાં મીનાબા મહેન્દ્રસિંહ ઝાલા નામના પ્રૌઢાના ઘરે જઈ શુક્રવારે બપોરના સમયે પ્રૌઢા સાથે બોલાચાલી કરી જેમ ફાવે તેમ અપશબ્દો બોલી છરી કાઢી અને મારી સાથે સમાધાન કરી લેશો નહીંતર ઘરના બધાને મારી નાખીશ તેવી ધમકી આપી હતી તેમજ નવાગામ ઘેડમાં જશવંત સોસાયટીમાં રહેતાં જીવુભા મુળુભા જાડેજા નામના નિવૃત્ત વૃદ્ધના ઘરે જઇ ને લખન ચાવડાએ વૃદ્ધ સાથે અપશબ્દો બોલી બોલાચાલી કરી છરીની અણીએ વૃદ્ધને સમાધાન કરી લેવા માટે ધમકાવ્યા હતાં નહીં તો ઘરના બધા સભ્યોને પતાવી દેવાની ધમકી આપી હતી.
નવાાગામ ઘેડના શખ્સ દ્વારા પ્રૌઢા અને નિવૃત્ત વૃદ્ધના ઘરમાં ઘુસી સમાધાન કરવા માટે છરીની અણીએ પરિવારજનોને પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસમાં જાણ કરવામાં આવતા હેકો પી.કે.વાઘેલા તથા સ્ટાફે નિવૃત્ત વૃદ્ધ અને પ્રૌઢાના નિવેદનના આધારે પોલીસે લખન ચાવડા વિરૂધ્ધ જુદા જુદા બે ગુના નોંધી ધરપકડ માટે શોધખોળ આરંભી હતી.


