ખંભાળિયા પંથકમાં ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થવા અંગેના બનાવો દિવસે-દિવસે વધી રહ્યા છે. તાજેતરમાં અહીંના જાણીતા વેપારીઓ, ડોક્ટર્સ વિગેરેના ઈન્સ્ટાગ્રામ, ફેસબૂક જેવા સોશિયલ મીડિયાના એકાઉન્ટ હેક થયાના બનાવો બહાર આવ્યા હતા.
ગઈકાલે જાણીતા ઓર્થોપેડિક સર્જન ડોક્ટર અમિત નકુમનું ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ હેક થયાનું ખુલવા પામ્યું હતું. હેકર્સ દ્વારા ડો. અમિત નકુમના પરિચિતો પાસે મેસેજ મારફતે ચોક્કસ રકમની માંગણી કરવામાં આવતી હોવાનું પણ ખુલવા પામ્યું છે. આટલું જ નહીં અહીંના મીડિયા વ્યવસાય સાથે સંકળાયેલા જયસુખભાઈ મોદીનું સોશિયલ મીડિયાનું એકાઉન્ટ પણ આ રીતે હેક થયાનું પણ જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનિય છે કે દિવસે દિવસે આ પ્રકારના વધતા જતા ફ્રોડના બનાવથી લોકો ચિંતામાં મુકાઈ ગયા છે. અને પૈસાની લેતી-દેતી બાબતે સાવચેત રહેવા ડો. અમિત નકુમ વિગેરે દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે.