લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામની સીમમાં આવેલા ખેતરમાંથી બુધવારે સવારે બોથડ પદાર્થ અને તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી હત્યા નિપજાવેલી યુવતીની લાશ મળી આવતા પોલીસે શખ્સ વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરતા મૃતક અને હત્યારો એક જ કારખાનામાં કામ કરતા હતાં. મૃતકના જન્મદિવસે જ હત્યારો તેના કાકાની વાડીએ લઇ ગયો હતો અને ત્યાં પ્રેમિકાની હત્યા નિપજાવી હોવાનું ખૂલ્યું હતું.
બનાવ અંગેની વિગત મુજબ, જામનગર તાલુકાના ચેલા ગામમાં રહેતાં અને મજૂરી કામ કરતા મનસુખભાઈ કણઝારિયા નામના આધેડની પુત્રી અર્ચનાબેન (ઉ.વ.23) નામની યુવતીને લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામમાં રહેતો ભાવેશ રણછોડ સોનગરા નામનો શખ્સ મંગળવારે સાંજના સમયે અર્ચનાબેનને લઇને લાલપુર તાલુકાના નાની રાફુદડ ગામની સીમમાં આવેલી જેન્તીભાઈ સોનગરાની વાડીએ લઇ આવ્યો હતો અને ત્યાં ભાવેશ અને અર્ચના વચ્ચે કોઇપણ કારણસર બોલાચાલી કે અન્ય કોઇ બાબત સંદર્ભે ભાવેશે અર્ચનાના ગળાના ભાગે બોથડ પદાર્થના ઘા ઝીંકયા હતાં તેમજ તિક્ષ્ણ હથિયારના ઘા ઝીંકી ઢીમ ઢાળી દીધું હતું. અર્ચનાની હત્યા નિપજાવ્યા બાદ ભાવેશ નાશી ગયો હતો. આ અંગેની મૃતકના પિતા મનસુખભાઈ કણજારીયા દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એન. જાડેજા તથા સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને સ્થળ પરથી યુવતીનો મૃતદેહનો કબ્જો સંભાળી પીએમ માટે મોકલી વધુ તપાસ હાથ ધરી હતી.
હત્યાના બનાવ બાદ ડીવાયએસપી ડી.પી.વાઘેલા તથા સ્ટાફે ભાવેશ રણછોડ સોનગરા વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધી શોધખોળ માટે ચક્રો ગતિમાન કરી તપાસ હાથ ધરતા મૃતક અર્ચના અને ભાવેશ બંને એક જ કારખાનામાં કામ કરતા હતાં. અને બંને વચ્ચે પરિચય થયો હતો. દરમિયાન હત્યા પૂર્વે ભાવેશે અર્ચનાના પિતાને ફોન કરીને જાણ કરી હોવાની વિગતો પણ પોલીસ તપાસમાં બહાર આવી છે.