એક ભારત-શ્રેષ્ઠ ભારતની સંકલ્પના સાકાર કરતા સૌરાષ્ટ્ર તામિલ સંગમ કાર્યક્રમ અંગે પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, ગુજરાતમાં આગામી ૧૭ થી ૩૦ એપ્રિલ દરમ્યાન સોમનાથ , દ્વારકા સહિતના તીર્થ ક્ષેત્રના સાનિધ્યે સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમ યોજાશે. સદીઓ જૂના સંબંધોને પુન:ઉજાગર કરતા આ કાર્યક્રમનો શુભારંભ 17મી એપ્રિલના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં થશે.
પ્રવક્તા મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, સદીઓ પહેલાં પોતાના વતન-સૌરાષ્ટ્રથી સ્થળાંતર કરીને તામિલનાડુમાં સ્થાયીઓ થયેલા સૌરાષ્ટ્રીયન તમિલ સમુદાયને પોતાની મૂળ માતૃભૂમિ સાથે જોડાયેલા રાખવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમના આયોજનનો વિચાર આપ્યો હતો. ગુજરાત સરકારે વડાપ્રધાનના આ વિચારને પરિપૂર્ણ કરવા કેન્દ્ર સરકારના વિવિધ મંત્રાલયો સાથે સંકલનમાં રહીને સૌરાષ્ટ્ર તામિલ સંગમને ઉજવવાનું સમયબદ્ધ અને વિસ્તૃત આયોજન કર્યુ છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર તમિલ સંગમ કાર્યક્રમમાં સહભાગી થવા તામિલનાડુથી સૌરાષ્ટ્રીયણ તમિલ સમુદાયના લોકો ટ્રેન મારફત ગુજરાતમાં આવશે. તા.14 એપ્રિલથી દરરોજ અંદાજે રપ૦ થી ૩૦૦ વ્યક્તિઓની બેચ સાથે એક વિશેષ ટ્રેન મદુરાઈથી ગુજરાત આવવા રવાના થશે. મંત્રીએ ઉમેર્યું હતું કે, ગુજરાતમાં આવનાર દરેક યાત્રિકો માટે સોમનાથ મહાદેવના સામૂહિક દર્શન-પૂજન, લાઇટ એન્ડ સાઉન્ડ શૉ નિદર્શન ઉપરાંત વિવિધ સ્પર્ધાઓ, ફેસ્ટિવલ્સ, સેમિનાર અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્ર-તામિલ સંગમમાં સહભાગી થનારા લોકોને સોમનાથ મહાદેવ ઉપરાંત દ્વારિકાધીશ મંદિર, નાગેશ્વર, શિવરાજપૂર બીચ અને સ્ટેચ્યુ ઓફ યુનિટિના પ્રવાસે પણ લઇ જવાનું આયોજન કરવામાં આવ્યું છે.