જામનગર તાલુકાના જામવણથલી ગામે રેલવે પ્રશ્નનું આંદોલન ચોથા દિવસે પણ ચાલુ રહ્યું હતું. મૌનવ્રત ધારણ કરનાર તથા ઉપવાસ ઉપર ઉતરેલ સરપંચપતિ તથા સામાજિક આગેવાન ભુરાભાઇ પરમારની તબિયત લથડતા જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
જામવણથલી સહિતના 24 ગામના આગેવાનો જામવણથલી રેલવે સ્ટેશને એકઠા થઇ ગયા હતાં અને કોરોના સમયે જે બંધ પડેલી ટ્રેનોને ફરી સ્ટોપ આપવા, બુકિંગ કલાર્ક ફાળવવા માટેની માગણી સાથે શાંત આંદોલન કરી સૂત્રોચ્ચાર કર્યા હતાં. સરપંચ શાંતાબેન મકવાણાએ રેલવે સ્ટેશન માસ્તરને પોતાના પતિ ઉપવાસ આંદોલન ચલાવતાં હોય, તેમની તબિયત અંગે ચિંતા વ્યક્ત કરીને રેલવે પ્રશ્ર્નોનાં ઉકેલ લાવવાની માગણી કરી હતી. જ્યારે રેલવે તંત્રએ ઉપવાસીઓની ચાર દિવસ થયા આંદોલન ચલાવે છે. તે બાબતમાં શું પગલાં લીધા છે? તેમ આવેદનપત્ર પાઠવેલ હતું. ગ્રામ્ય પ્રજા આંદોલન કરવા છતાં રેલવે તંત્રનું પેટનું પાણી હતું નથી અને કોઇ જ સંતોષકારક જવાબ આપી શક્યા નથી.
સ્ટેશન માસ્તરનો સંપર્ક કરતાં જણાવ્યું હતું કે, ‘મે આ ગ્રામ્ય પ્રજાની માગણી ઉપર મોકલી આપી છે. હું કાંઇ કરી શકું તેમ નથી. ગ્રામ્ય પ્રજાની માગણી સ્વિકારય અને ઉપવાસીઓની તબિયત વધુ લથડે તે પહેલા તુરંત જ નિર્ણય લઇને માગણી સ્વિકારવી જોઇએ. એમ ગ્રામ્ય પ્રજા ઇચ્છી રહી છે.


