જામનગર શહેરમાં પવનચકકી વિસ્તારમાં આવેલી દુકાન પાસે જાહેરમાં આઈપીએલ 20-20 ક્રિકેટ ટૂર્નામેન્ટના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા શખ્સને પોલીસે રૂા.3900 ના મુદ્દામાલ સાથે ઝડપી લઇ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આઈપીએલ 2023 ની શરૂઆત થતા જ જામનગર સહિત દેશભરના બુકીઓ અને સટ્ટો રમાડતા શખ્સો એકટીવ થઈ ગયા છે. 20-20 ક્રિકેટ મેચના જીવંત પ્રસારણ ઉપર ઠેક ઠેકાણે હજારો કરોડનો સટ્ટો રમાઈ છે. ત્યારે જામનગર શહેરના પવનચકકી પાસે આવેલી દુકાન નજીક જાહેરમાં આઈપીએલ ક્રિકેટ ટૂર્નામેન્ટમાં ચેન્નઇ સુપર કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે રમાતા મેચના જીવંત પ્રસારણ ઉપર રનફેરનો જૂગાર રમાડતા ઘનશ્યામ ઉર્ફે મામા હરીભાઈ કલવાણી નામના શખ્સને સિટી એ ડીવીઝન પોલીસે રેઈડ દરમિયાન ઝડપી લઇ તેની પાસેથી રૂા.3400 ની રોકડ અને રૂા.500 ની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂા.3900 નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો તેમજ ઘનશ્યામ આ રનફેરના સોદાની કપાત જામનગરના ચીરાગ ચારોલા પાસે કરાવતો હોવાની કેફીયતના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ આરંભી હતી.