ચીન અરૂણાચલ પ્રદેશ અંગે નિર્લજ્જતા પર કાયમ છે. હવે તેણે ફરી એકવાર અરૂણાચલ પ્રદેશના સ્થાનોને લઈને ચાઈનીઝ, તિબેટિયન અને પિનઈન લિપિમાં નામોની યાદી જાહેર કરી છે. ચીને આ કૃત્ય ભારતીય પ્રદેશો પર તેના અધિકારો જતાવવાની બદનિયતથી કર્યું છે.
ચીનના નાગરિક બાબતોના મંત્રાલયે રવિવારે અરૂણાચલ પ્રદેશના 11 સ્થળોના નામ જાહેર કર્યા હતા. તેમાં બે ભૂ ભાગના નામ, બે રહેણાક ક્ષેત્રોના નામ, પાંચ પર્વતીય ક્ષેત્રોના નામ અને બે નદીઓના નામ છે. ચીન સરકારની પ્રાંતીય પરિષદે તિબેટના દક્ષિણ ભાગને જંગનનનું નામ આપ્યું છે. આ માહિતી ચીન સરકારના એક અખબારે આપી હતી.
ચીન સરકાર દ્વારા અરૂણાચલ પ્રદેશના ક્ષેત્રોના બદલાયેલા નામ ત્રીજી વખત જાહેર કરાયા છે. અગાઉ 2017માં ચીને અરૂણાચલ પ્રદેશના 6 સ્થળોના નામ અને 2021 માં 15 સ્થળોના નામની યાદીઓ જાહેર કરી હતી. ભારત આ બંને યાદીઓને ફગાવતા વાંધો ઊઠાવી ચૂક્યું છે. ભારતે હંમેશા કહ્યું છે કે અરુણાચલ પ્રદેશ ભારતનો અભિન્ન અને અવિભાજ્ય અંગ છે. તેના પર ચીનનો દાવો તેની બદનિયતનો પુરાવો છે.