અમેરિકાની સ્પેસ એજન્સી નેશનલ એરોનોટિક્સ એન્ડ સ્પેસ એડમિનિસ્ટ્રેશન એ સોમવારે 50 વર્ષ પછી ચંદ્ર પર મિશન મોકલવા માટે ચાર ક્રૂ મેમ્બર્સની જાહેરાત કરી છે. જેમાં પ્રથમ વખત એક મહિલા અને એક અશ્વેતનો સમાવેશ કરવામાં આવ્યો છે. બધાને 2024 ના અંતમાં કેનેડી સ્પેસ સેન્ટરમાંથી 10 દિવસના આર્ટિમિસ ઈંઈં મિશન પર ઓરિઓન કેપ્સ્યુલમાં મોકલવામાં આવશે. બધા સભ્યો ચંદ્રની પરિક્રમા કરશે અને પૃથ્વી પર પાછા ફરશે. તેના એક વર્ષ પછી ક્રૂના બે સભ્યોને ચંદ્ર પર ઉતારવામાં આવશે
ગયા વર્ષે આ પ્રોગ્રામ હેઠળ માનવરહિત ઓરિયન કેપ્સ્યુલને ચંદ્ર પર મોકલી પાછી લાવવામાં આવી છે. નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને પસંદ કરેલા સભ્યોને ’માનવતાના ક્રૂ મેમ્બર’ ગણાવ્યા હતા. આ મિશનમાં રીડ વાઈઝમેન, મિશન કમાન્ડર, વિક્ટર ગ્લોવર, નેવી પાઈલટ (આફ્રિકન-અમેરિકન), ક્રિસ્ટીના કોચ: અવકાશમાં સૌથી લાંબા સમય સુધી રહેનાર મહિલા, જેરેમી હેન્સન: કેનેડિયન રહેવાશી સામેલ છે. તેમનામાં પ્રથમ વખત અશ્વેત સભ્યનો સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પહેલું ચંદ્ર મિશન છે જેમાં નોન-અમેરિકન પણ ક્રૂ મેમ્બર હશે. ક્રૂમાં ત્રણ અમેરિકન અને એક કેનેડિયન નાગરિક છે. નાસાએ એપોલો પ્રોગ્રામ હેઠળ 1968થી 1972 દરમિયાન 24 અવકાશયાત્રીઓને ચંદ્ર પર મોકલ્યા હતા. તેમાંથી 12 ચંદ્ર પર ઉતર્યા હતા. ભૂસ્તરશાસ્ત્રી હેરિસન શ્મિટ સિવાય, બધા લશ્કરી પ્રશિક્ષિત પાઇલટ હતા. એપોલો 17 એ છેલ્લું મિશન હતું.