સાંસદ પૂનમબેન માડમની રજૂઆતથી રેલવે દ્વારા પોરબંદર-રાજકોટ સમર સ્પેશ્યિલ ટ્રેન શરૂ કરવામાં આવતાં સમગ્ર જામજોધપુર પંથકને આ ટ્રેનનો લાભ મળશે. સાંસદ દ્વારા રેલવે મંત્રીનો આ ટ્રેન શરુ કરવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો.
જામનગર-દેવભૂમિ દ્વારકા સહિત સમગ્ર રાજ્ય અને રાષ્ટ્રમાં રેલવે સેવાનો વ્યાપ થતો રહે છે અને મુસાફરો માટે આ પરિવહન ખૂબ જ સાનુકુળ રહેતું હોય, માંગ પર વધતી રહેતી હોય છે. ત્યારે સાંસદ પૂનમબેન માડમની રજૂઆતથી પોરબંદર-રાજકોટ સમર સ્પે. ટ્રેન તા. 7 એપ્રિલથી શરુ થતાં સમગ્ર જામજોધપુર પંથકના ગામોના મુસાફરોને આ ટ્રેનનો લભ મળશે. જે ખૂબ જ સાનુકુળ બની રહેશે તેમ નાગરિકોના અભિપ્રાયમાં જાણવા મળ્યું છે.
જામનગર સંસદીય મતવિસ્તારના જામજોધપુર તાલુકાના વિસ્તારોના લોકોને રાજકોટ તરફ જવા માટે સવારની ટ્રેન સુવિધા ન હોય, દરરોજ અભ્યાસ અર્થે જતાં વિદ્યાર્થીઓને તથા રોજબરોજની ખરીદી માટે જતાં વેપારીઓને તેમજ સામાજિક કાર્ય માટે જતાં લોકોને ખૂબ જ મુશ્કેલી પડતી હોવાની રજુઆતો જામજોધપુર તાલુકાના પ્રજાજનો આગેવાનો કાર્યકરો તેમજ વિવિધ સંસ્થાઓ તરફથી મળી હતી. જે ધ્યાને લઇ સંસદસભ્ય પૂનમબેન માડમએ જનરલ મેનેજર વેસ્ટર્ન રેલવે તેમજ રેલવે બોર્ડ અને રેલવે મંત્રીને ભારપૂર્વક રજૂઆતો કરતાં રેલવે તંત્ર દ્વારા પ્રાયોગિક ધોરણે ત્રણ માસ માટે પોરબંદર-રાજકોટની સમર સ્પેશ્યલ ટ્રેન શરુ કરવા નિર્ણય કર્યો છે. જે તા. 7-4-23 સપ્તાહમાં 6 દિવસ માટે (મંગળવાર સિવાય) શરુ થશે. જે ટ્રેન પોરબંદરથી સવારે 7:30 કલાકે ઉપડશે અને રાજકોટ 11:40 કલાકે પહોંચશે.
આ ટ્રેન શરુ થવાથી જામજોધપુર ઉપરાંત પોરબંદર, રાણાવાવ, વાંસજાળીયા, બાવળા, જામજોધપુર, પાનેલી મોટી, ભાયાવદર, ઉપલેટા, ધોરાજી, જેતલસર, નવાગઢ, વિરપુર, ગોંડલ ભક્તિનગર, રાજકોટના મુસાફરોને લાભ મળશે. પોરબંદર રાજકોટ ટ્રેન પોરબંદરથી સવારે ઉપડે તે માટેની રજૂઆત ઘણાં સમયથી હતી. જે તા. 7 એપ્રિલથી 30 જૂન સુધી દોડનાર હોય, સંસદસભ્ય પૂનમબેન માડમએ રેલવે મંત્રી રેલવે બોર્ડ જનરલ મેનેજર વેસ્ટર્ન ઝોનનો આભાર વ્યક્ત કર્યો હતો.


