જામનગર તાલુકાના સીક્કા ગામમાં નાઝ સીનેમા પાસે રહેતા યુવાનની બકરી ઘર પાસેથી પસાર થતા છ શખ્સોએ યુવાન ઉપર લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારી ઈજા પહોંચાડી હતી તેમજ સામાપક્ષે યુવાન ઉપર ચાર શખ્સો દ્વારા જૂની બોલાચાલીનો ખાર રાખી ઢીકાપાટુનો માર મારી પતાવી દેવાની ધમકી આપ્યાના બનાવમાં પોલીસે બંને પક્ષની સામ સામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, જામનગર તાલુકાના સીક્કા ગામમાં નાઝ સીનેમા પાસે રહેતાં નવાઝ કમોરા નામના મજૂરી કામ કરતા યુવાનની બકરી ઈમરાન જાકુબ ધોળીવારાના ઘર પાસેથી પસાર થતા ઈમરાને નવાઝના ભાઈને અપશબ્દો બોલી અને બકરી મારા ઘર પાસેથી પસાર થવી ન જોઇએ આ બાબતે સમજાવવા જતા નવાઝ કમોરા ઉપર ઈમરાન જાકુબ ધોળીવારા, હેમંત જાકુબ ધોળીવારા, જાકુબ ઈસ્માઇલ ધોળીવારા, હુશેના જાકુબ ધોળીવારા, હાલીમા ઈમરાન ધોળીવારા સહિતના છ શખ્સોએ એક સંપ કરી લોખંડના પાઈપ અને ઢીકાપાટુનો માર મારી હુમલો કર્યો હતો તેમજ ઝરીનાબેન નામની મહિલાને ઢીકાપાટુનો માર માર્યો હતો.
સામાપક્ષે ઈમરાન જાકુબ હુંદડા દ્વારા જૂની બોલાચાલીનો ખાર રાખી હસન કમોરા, એઝાજ કમોરા, નવાઝ કમોરા અને ઝરીનાબેન કમોરા નામના ચાર શખ્સોએ એકસંપ કરી યુવાનના વાળ ખેંચી કડા વડે મોઢા ઉપર માર મારી પતાવી દેવાની ધમકી આપી હતી. બનાવ અંગેની જાણ કરાતા હેકો એમ.પી.સિંધવ તથા સ્ટાફે નવાઝ કમોરા અને ઈમરાન હુંદડા નામના બંને વ્યક્તિઓની સામસામી ફરિયાદ નોંધી તપાસ આરંભી હતી.