ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં રહેતાં વૃદ્ધ ખેડૂત બેંક ઓફ બરોડામાં એટીએમમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતા હતાં તે દરમિયાન અજાણ્યા શખ્સે ખેડૂતના ખીસ્સામાંથી રૂા.50 હજારની રોકડ ચોરી કરી ગયાના બનાવમાં પોલીસે તપાસ આરંભી હતી.
બનાવની વિગત મુજબ, ધ્રોલ તાલુકાના જાલિયા માનસર ગામમાં રહેતાં અને ખેતી કરતાં પ્રેમજીભાઈ જેરામભાઈ રામોલિયા (ઉ.વ.66) નામના વૃદ્ધ ખેડૂત ગત તા.24 ના રોજ સવારના સમયે ધ્રોલમાં રોયલ ગ્રીન સોસાયટીમાં આવેલા બેંક ઓફ બરોડાના એટીએમમાં પાસબુકમાં એન્ટ્રી કરાવવા જતાં હતાં તે દરમિયાન આજુબાજુમાં આંટા મારતો અજાણ્યા તસ્કરે વૃધ્ધ ખેડૂતને ખબર ન પડે તેમ ખીસ્સામાં રાખેલી રૂા.50 હજારની રોકડ રકમની ચોરી કરીને પલાયન થઈ ગયો હતો. બાદમાં બનાવની જાણ કરતા એએસઆઈ વી.ડી.રાવલિયા તથા સ્ટાફે અજાણ્યા તસ્કર વિરૂધ્ધ ચોરીનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.