મોરબીની જીવાદોરી સમાન મચ્છુ-2 ડેમ ખાલી કરવા માટે ડેમ તંત્રએ સરકાર પાસે સૈદ્ધાંતિક મંજુરીની માંગણી કરી છે અને મંજુરી મળી જાય તો એપ્રિલ માસમાં ડેમ ખાલી કરવાની તૈયારી કરવામાં આવી રહી છે. જોકે ડેમ ખાલી કરવાની હિલચાલ છતાં નર્મદા કેનાલમાંથી પાણી મેળવવાનું હજુ ચાલુ છે, તો બીજી તરફ મચ્છુ-2 ડેમ સૌની યોજનાનો સૌરાષ્ટ્રનો મધર ડેમ છે. પરંતુ સૌની યોજનામાંથી પાણીનો ઉપાડ થતો નથી. જેથી પાણીનું સ્તર વધી જતાં ડેમ વિસ્તારમાં આવતા પાંચ ગામોના ખેડૂતોના ખેતરમાં પાણી ફરી વળતા ખેડૂતોના ઊભા પાકને નુકશાની સહન કરવાનો વારો આવ્યો છે. મચ્છુ 2 ડેમમાં નર્મદા કેનાલ ચાલુ હોવાથી પાણીનો પ્રવાહ ચાલુ છે અને ડેમના જળ સ્તરમાં વધારો થતા પાણી ડેમ વિસ્તારમાં આવતા મકનસર જોધપર અને નવાગામ એમ પાંચ ગામોના ખેડૂતોના હજારો વીઘા જમીનના વાવેતર પર જોખમ તોળાઈ રહ્યું છે.
જે અંગે મકનસર ગામના ખેડૂત હિતેશભાઈ જણાવે છે કે, નર્મદા કેનાલ ચાલુ છે અને પાણી આવે છે. જેથી પાણીનો પ્રવાહ વધતા આસપાસના ખેતરોમાં પાણી ફરી વળે છે અને ખેડૂતોને નુકશાનીનો ભય સતાવી રહ્યો છે. હજારો વીઘા જમીનમાં તલનું વાવેતર કરાયું છે અને ડેમના પાણીને કારણે ખેડૂતોને કરોડોની નુકશાની થાય તેવી ભીતિ સેવાઈ રહી છે. 15 એપ્રિલ સુધીમાં ડેમ ખાલી કરવાનો છે તો હાલ ડેમ ભરવાનો કોઈ અર્થ નથી પરંતુ છતાં પાણીની આવક ચાલુ છે.